24 શ્રમિક ટ્રેન હજુ સુધી કચ્છથી ઊપડી

ભુજ, તા. 22 : કોરોનાના કારણે જારી લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છમાં રોજગારી અર્થે આવીને વસેલા અને લોકડાઉનના કારણે અટવાઇ પડેલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે અત્યાર સુધી કચ્છ જિલ્લામાંથી 24 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે તો વધુ 10 ટ્રેન દોડાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. ભુજમાં કાર્યરત કરાયેલ યુનિફાઇડ?કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર સરકારની માર્ગદર્શિકા  અનુસાર પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની પ્રક્રિયાના ભાગરૂપ અત્યાર સુધી ભુજ, ગાંધીધામ અને અંજાર રેલવે સ્ટેશન પરથી અલગ અલગ રાજ્યો માટે દોડાવાયેલી 24 શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં 24,000 શ્રમિક તેમના મૂળ વતનમાં પહોંચ્યા છે. હજુ બીજી 10?ટ્રેન માટે દરખાસ્ત કરવામાં આવી છે જેમાં પણ દશેક હજાર શ્રમિકને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ટ્રેનો ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના રાજ્યો માટે દોડાવવામાં આવી છે. સર્વાધિક ટ્રેનો બિહાર રાજ્ય માટે રવાના કરવામાં આવી છે. તો 160 જેટલી બસ મારફત પણ?4500 શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવ્યા છે. એસ.ટી. અને ખાનગી બસોમાં ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના શ્રમિકો માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાનગી બસો પણ નિયમ મુજબના અંકુશિત ભાડાં લે તેનું સંકલન કરવામાં આવ્યું હતું. આંકડા જોતાં અત્યાર સુધી સાડા અઠયાવીસ હજાર અટવાયેલા શ્રમિકને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હજુ બીજા 10થી 12 હજાર શ્રમિક કતારમાં હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer