મુંબઇ-ભુજ-મુંબઇ હવાઇ મુસાફરી 25મીથી શરૂ

ભુજ, તા. 22 : નાગરિક ઉડ્ડયન મંત્રીની જાહેરાતને પગલે આગામી 25 તારીખથી વિમાન મુસાફરીનો પ્રારંભ થશે. જે અંતર્ગત એર ઇન્ડિયા દ્વારા મુંબઇથી ભુજ અને ભુજથી મુંબઇની ફ્લાઇટ ઉપરાંત અન્ય બે ફલાઇટ સ્પાઇસ જેટ અને ટ્રુ જેટ દ્વારા કંડલા-અમદાવાદ અને કંડલા-મુંબઇ પણ શરૂ કરાશે.  જો કે, પ્રવાસીઓએ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને રાખી તમામ નિયમોને અનુસરવાનું રહેશે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા તમામ પરિવહન બંધ કરાયા હતા, પરંતુ હવે બે માસ થવા આવ્યા ત્યારે પ્રવાસીઓની મુશ્કેલીઓ ધ્યાને લઇ રેલ, બસસેવાને છૂટછાટ અપાયા બાદ આગામી 25/પથી હવાઇસેવાને શરૂ કરવાની જાહેરાત સાથે નિયમો પણ જાહેર કરાયા છે. જે અંતર્ગત મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર તરફથી મંજૂરી અપાતાં એર ઇન્ડિયા દ્વારા મુંબઇથી ભુજ અને ભુજથી મુંબઇ ફ્લાઇટ શરૂ કરવા નિર્ણય લીધો છે, તેવું અંદાજિત 48 વર્ષથી આ લાઇન સાથે સંકળાયેલા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બર મહેન્દ્રભાઇ જોષીએ જણાવી ઉમેર્યું કે, આવતીકાલે સ્ટાફ પહોંચી જશે.  ઉપરોકત ફલાઇટ મુંબઇથી દરરોજ સવારે 6.25 વાગ્યે ઉપડી 8.30 વાગ્યે ભુજ પહોંચશે. આ જ ફલાઇટ અહીંથી 9.10 વાગ્યે ઊપડી બપોરે 11.05 વાગ્યે મુંબઇ પહોંચશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ એવિએશનની ગાઇડલાઇન મુજબ હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક વિના એરપોર્ટમાં આવવા નહીં દેવાય. એરપોર્ટ પર પેસેન્જરે આરોગ્ય માટે ડેકલેરેશન ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ એરલાઇન્સ આપશે. ટ્રાવેલ એજન્સીએ બાકિંગ કરતી વખતે પેસેન્જરના મોબાઇલ નંબર ખાસ લખવાનાં રહેશે.  ઉપરાંત કંડલા-અમદાવાદ અને કંડલા-મુંબઇની ફલાઇટનું બીજી જૂનથી બાકિંગ શરૂ થયું છે. હાલની પરિસ્થિતિમાં ભુજથી મુંબઇ જવાવાળાની સંખ્યા ઓછી હશે, પરંતુ ત્યાંથી ભુજ આવનારાની સંખ્યા વધારે હશે તેવું ટૂર ઓપરેટર એસો. ઓફ કચ્છ (ટોક)ના પ્રમુખ સંજય ગઢવી, ઉપપ્રુમખ અન્શુલ વચ્છરાજાની, મંત્રી હિતેશ મોરબિયાએ જણાવ્યું હતું.  અલબત્ત, એક જ ફલાઇટ હોવાથી અરાજકતા ચોક્કસ વધશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer