લખપત તાલુકા પંચાયતની પાણીપ્રશ્ને યોજાયેલી બેઠકમાં મુદ્દો ગરમ બન્યો

દયાપર (તા. લખપત), તા. 22 : તાલુકાના ઘડુલી, દયાપર સહિત અમુક ગામડાઓમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી સમસ્યા સર્જાઈ હતી. આજની લખપત તાલુકા પંચાયત ખાતે પાણી સંદર્ભે બેઠકમાં પાણી પુરવઠા કચેરી દ્વારા પાણીનો જથ્થો ઉપરથી ઓછો આવે છે તે વાત સ્વીકારી બે દિવસમાં સમગ્ર તાલુકામાં પાણી પુરવઠો વ્યવસ્થિત થઈ જશે તેવું જણાવ્યું હતું. લખપત તાલુકા સરપંચ સંગઠન દ્વારા પાણીપ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરાઈ હતી. છેલ્લા 15 દિવસથી તાલુકામાં પાણીની સમસ્યા વિકટ બની છે ત્યારે જો હવે પ્રશ્ન હલ ન થાય તો ઉપવાસ પર ઊતરી જવા પણ સરપંચ સંગઠને તૈયારી બતાવી હતી. આજે તાલુકા પંચાયતમાં પાણીપ્રશ્ને યોજાયેલી બેઠકમાં પણ આ મુદ્દો ગરમ બન્યો હતો, ત્યારે પાણી પુરવઠા બોર્ડને દયાપર કચેરીએ લેખિતમાં વિવિધ સ્પષ્ટતા કરવી પડી હતી. નાયબ કા.ઈ. શ્રી ઠાકોરે લેખિતમાં જણાવ્યું કે, તાલુકાની જરૂરિયાત પ્રમાણે પાણીનો જથ્થો ઉપરથી આવતો જ નથી. તા. 15/4/20થી આ પ્રશ્ન છે. જેનાં કારણે ગામડાઓમાં પાણી પહોંચતું નથી. તા. 6/5/20ના પાણી સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ જરૂરિયાત મુજબ ખાતાકીય ટેન્કરથી પાણી પુરવઠો આપવામાં આવે છે. સુખપર-મંગવાણા વચ્ચે તા. 12/5થી 15/5 લીકેજનું મરંમતકાર્ય ચાલુ હતું, તા. 20/5ના રાત્રે ખીરસરા, દયાપાર, ઘડુલી પાણીની લાઈનના ચાર એરવાલ્વ લીકેજ થતાં રિપેરિંગ માટે બંધ કરવું પડયું. પરંતુ હવે મરંમતકાર્ય થઈ ગયું છે, ત્યારે બે દિવસમાં પાણી પુરવઠો બધી જગ્યાએ પહોંચી શકશે. બેઠકમાં તા.વિ.અ. શ્રી ભાલોડિયા, સરપંચ સંગઠનના પ્રમુખ નીતિનભાઈ રૂડાણી, ગુનેરી ઉપસરપંચ જશુભા જાડેજા, દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ વિગેરે હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer