આદિપુરમાં સાર્વજનિક પ્લોટમાં સમાજવાડી નિર્માણનો વિરોધ

ગાંધીધામ, તા. 22 : આદિપુરના વોર્ડ-1માં આવેલી સાર્વજનિક જમીન ઉપર પાલિકા દ્વારા નટ બાજીગર સમાજ માટે કોમ્યુનિટી હોલનું બાંધકામ ન કરવા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી હતી. આદિપુર મહેશ્વરી મેઘવાળ સમાજે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલી આ જમીન સાર્વજનિક છે. તમામ પ્રકારની જાતિ, સમાજ માટે હોય તેને સાર્વજનિક કહેવાય  પરંતુ અહીં ધાર્મિક નામથી ગેરકાયદેસરનો કબ્જો હોવાનું જણાવાયું છે. તેમાં રહેણાંક, શૈક્ષણિક કે અન્ય સાર્વજનિક હેતુનો ઉપયોગ થતો નથી. આ જમીન શૈક્ષણિક હેતુથી ફાળવવામાં આવી હોવાથી ધારાસધ્ય કે સંસદ સભ્યની ગ્રાન્ટ ફાળવી શકાય નહીં. જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી પણ પ્રમાણપત્ર આ સમાજે લીધું નથી. જી.ડી.એ પાસેથી મંજૂરી કે બાંધકામ અંગેની એન.ઓ.સી. પણ લેવામાં આવેલી નથી. આ જમીન ઉપર સરકારી નાણાં વાપરી શકાય નહીં. આ જમીન અંગે આદિપુર મહેશ્વરી સમાજ અને નટ બાજીગર સમાજ વચ્ચે પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા યોગ્ય કાર્યવાહી કરવા આ પત્રમાં માંગ કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer