મુંબઇ કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિ : ઓનલાઇન સગપણ સેતુ યોજાયો

મુંબઇ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકડાઉનના સમયમાં કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિના મુંબઇ મહાજને ટેક્નોલોજીના સ્માર્ટ ઉપયોગ વડે અનોખો ચીલો ચાતર્યો છે. શનિવારે ઇ-રાઇટ મેચ નામના સંસ્થાના ઓનલાઇન સગપણ સેતુ કાર્યક્રમમાં ધારણા કરતાં ઘણી વધારે સંખ્યામાં યુવક-યુવતીએ ભાગ લઇને આયોજનને સફળ બનાવ્યું હતું. જ્ઞાતિની ધારણા 80 જેટલા ઉમેદવારોની હતી તેની સામે 203 ફોર્મ આવ્યાં હતાં. તેમાંથી 178 ઉમેદવારોએ સક્રિય ભાગ લીધો હતો, જેમાં અમેરિકાના યુવા-યુવતી પણ હતાં. જ્ઞાતિના યુવા-યુવતી એક્સક્લુઝિવ મિટિંગ રૂમમાં જ્ઞાતિના પ્રતિનિધિ તથા પરિવારજનોની હાજરીમાં મિટિંગ પણ કરી શક્યાં હતાં. ઉપરાંત અન્ય ઓનલાઇન મિટિંગ પણ ઇવેન્ટના દિવસે થઇ હતી. ફરહાન અખ્તર, આયુષ્માન ખુરાના અને ફાલ્ગુની પાઠક માટે એન્કરિંગ કરે છે તેવા જ્ઞાતિના સિતારા વૈભવ મોતાએ કાર્યક્રમનું ઓનલાઇન હોસ્ટિંગ કર્યું હતું. જ્ઞાતિના મુંબઇ મહાજન અને અનંતનાથ ટ્રસ્ટના પ્રમુખ નયન અશોક ભેદાની પરિકલ્પના મુજબ ઇ-રાઇટ મેચને સુંદર સફળતા મળી હતી. જેમાં મુંબઇ મહાજનની સમગ્ર ટીમે અથાક જહેમત ઉઠાવી હતી. કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિએ સમય કરતાં આગળનું વિચારીને અનુકરણીય દૃષ્ટાંત સ્થાપ્યું છે. જ્ઞાતિની પોતાની બેંક છે. જ્ઞાતિના મુખ્ય માર્ગોના નામો જ્ઞાતિજનોના નામે છે. ભાત બજારમાં ઐતિહાસિક ફુવારો છે, જેના નૂતનીકરણ વખતે તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે ખાસ મુલાકાત લીધી હતી. પાર્શ્વગાયિકા સંજીવની ભેલાંડેના ગાયનનો ઓનલાઇન કાર્યક્રમ યોજ્યો હતો જેને 10 હજારથી વધુ લોકોએ માણ્યો હતો. લોકડાઉનમાં આર્થિક ભીંસમાં મુકાયેલા જ્ઞાતિજનોને મદદરૂપ થવા શાલીભદ્ર સાધર્મિક સહાય યોજના હેઠળ રૂા. 45 લાખ એકઠા થયા હતા જેનું વિતરણ બેંક ટ્રાન્સફરથી કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer