કોરોનાને લગતી મહત્તમ માહિતીનું હવે એક જ સ્થળે સંકલન કરાશે

ભુજ, તા. 22 : વૈશ્વિક મહામારી કોરોનાએ ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોને પોતાના ભરડામાં લઈ લીધું છે. ત્યારે કોરોનાના પોઝિટિવ કેસની અપૂરતી માહિતી જાહેર થતી હોવાના કચવાટ સાથે કોરોના સંબંધી અન્ય મોટા ભાગની માહિતીનું એક જ સ્થળે સંકલન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ભુજમાં યુનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીની પાછળના ભાગે આવેલા જૂના જનસેવા કેન્દ્રવાળા બિલ્ડિંગમાં કાર્યરત કરાયેલા આ વિશેષ કન્ટ્રોલ રૂમમાં તમામ માહિતી સરળતાથી એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહ્યાનું ડિઝાસ્ટર મામલતદાર વી.એ. પ્રજાપતિએ વિગતો આપતાં જણાવ્યું હતું. યુનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં જ્યાં આગળ કોરોના પોઝિટિવ કેસ દખાયા બાદ તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાય છે તેનું ડિજિટલ મેપિંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધી 16 ઝોન જાહેર કરાયા છે. તેમાં કેટલા ઘર આવેલા છે અને કેટલી માનવવસતીને અસર પહોંચી તે સહિતની બાબતો અપડેટ કરવામાં આવી રહી છે. તદુપરાંત કચ્છમાં કાર્યરત બે ચેકપોસ્ટ પરથી જિલ્લામાં કેટલા લોકોએ પ્રવેશ મેળવ્યો, રાજ્ય બહારના કેટલા લોકોને નિયમ મુજબ સરકારી ક્વોરેન્ટાઈન કરાયા, સરકારી ક્વોરેન્ટાઈન માટે તાલુકાવાર કેટલી ઉપલબ્ધિ છે અને તે સામે અત્યાર સુધી કેટલાને ક્વોરેન્ટાઈન કરાયા તેના આધારે તાલુકાવાર રાજ્ય બહારના કેટલા લોકોને પ્રવેશ હેતુ મંજૂરી આપવી તે સહિતની બાબતોના દૈનિક અપડેટને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શ્રમિકોના આવાગમન માટેની માહિતી ઓનલાઈન પરમિશન લેવા સાથે આરોગ્યની  હેલ્પલાઈન સેવાને અહીં જ કાર્યરત કરી દેવામાં આવી છે. આ હેલ્પલાઈનમાં જે પણ પૂછતાછ કરવામાં આવે છે તેની સઘળી નોંધ અહીં કરવામાં આવી રહી છે. ખાસ કાર્યરત કરાયેલા યુનિફાઈડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં કોરોનાને લગતી મહત્તમ માહિતીનું અપડેટેશન કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાની માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer