ભુજપુર અને માંડવીમાં મહિલાના અકળ આપઘાત

ભુજ, તા. 22 : મુંદરા તાલુકાના નાની ભુજપુર ગામે સાવિત્રીબેન રામ ગઢવી (ઉ.વ.23)એ ગળેફાંસો ખાઇ લઇને તથા માંડવી શહેરમાં જયોત્સનાબેન નરશીં ઝાલા (ઉ.વ.58)એ એસિડ પી લઇને કોઇ અગમ્ય કારણોસર મોત વ્હાલા કરી લીધા હતા, તો માંડવી તાલુકાના નાના આસંબિયા ગામે કુંવરજી માવજી વેકરિયા (ઉ.વ.60) નામના ખેડૂત માટે જંતુનાશક દવાની ઝેરી અસર જીવલેણ સાબિત થઇ હતી. જ્યારે અંજાર શહેરમાં વિજય વેલજી દેસાઇ (ઉ.વ. 58)નું ઘરની છત ઉપરથી પડી જવાનાં કારણે મૃત્યુ થયું હતું. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ નાની ભુજપુર ગામે સાવિત્રીબેન ગઢવીની આત્મહત્યાનો કિસ્સો આજે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે બહાર આવ્યો હતો. આ હતભાગી તેના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતી મળી આવી હતી. આ પછી તેને દવાખાને ખસેડાતાં ત્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. ચાર વર્ષ પહેલાં લગ્ન કરનારી આ યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. નાયબ પોલીસ અધીક્ષકે કેસની તપાસ હાથ ધરી છે.બીજીબાજુ અકળ આપઘાતના અન્ય એક કિસ્સામાં માંડવી શહેરમાં જયોત્સનાબેન ઝાલાના અપમૃત્યુનો કિસ્સો દફ્તરે ચડ્યો છે. પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે માંડવીમાં ખારવા પાંચાડામાં રહેતા આ પ્રૌઢ વયના મહિલાએ ગત મધરાત્રે પોતાનાં ઘરમાં બાથરૂમમાં જઇને એસિડ પી લીધું હતું. આ પછી સારવાર દરમ્યાન તેમણે દમ તોડયો હતો. બનાવ પછવાડેના કારણો આ કિસ્સામાં પણ હજુ સ્પષ્ટ થયા નથી. માંડવી પોલીસે અકસ્માત મોત નોંધી આગળની છાનબીન હાથ ધરી છે. જ્યારે નાના આસંબિયા ગામે 60 વર્ષની વયના ખેડુ કુંવરજી વેકરિયા માટે જંતુનાશક દવા જીવલેણ બની હતી. બે દિવસ પહેલાં બુધવારે ઢળતી બપોરે આ કિસાન કપાસના પાકમાં દવા છાંટી રહ્યા હતા ત્યારે તેમને ઝેરી અસર થઇ હતી. ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.જ્યારે અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ અંજાર શહેરમાં મીથીલાનગરી ખાતે રહેતા વિજય વેલજી દેસાઇ (ઉ.વ. 58)નું છત ઉપરથી અકસ્માતે પડી જવાથી અપમૃત્યુ થયું હતું. પોલીસમાં લખાવાયેલી વિગતો મુજબ આ હતભાગી ગઇકાલે ગરમી હોવાથી ઠંડા પવન માટે છત ઉપર ગયા હતા. જ્યાં અકસ્માતે પગ લપસતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા. ગંભીર ઇજાઓ પામેલા આ પ્રૌઢને સારવાર મળે તે પહેલાં જ તેમનો જીવનદીપ બુઝાયો હતો. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer