નાગોરમાં ટોળાનો પાઇપ સહિતના શત્રો વડે હુમલો : ભુજવાસી ઘવાયો

ભુજ, તા. 22 : કાર સાથે બાઇક અથડાવાની ઘટનાને લઇને ઉભી થયેલી અદાવતને લઇને તાલુકાના નાગોર ગામે પાઇપ સહિતના હથિયારો વડે ટોળાએ કરેલા હુમલામાં ભુજના ઓધવબાગ ખાતે રહેતા અશોક જિતેન્દ્ર રાજગોર (ઉ.વ.41)ને ઇજાઓ થઇ હતી. નાગોર ગામના બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે બપોરે હુમલાની આ ઘટના બની હતી. ભોગ બનનારા અશોક રાજગોરે આ બાબતે નાના વરનોરાના આશીફ ઇબ્રાહીમ મમણ અને ઇમરાન મામદ મોખા, હાલે ભુજમાં લખુરાઇ ચાર રસ્તે રહેતા નાના વરનોરાના સીધીક નામોરી ઉર્ફે મંગલદાદા અને  ઇકબાલ સીધીક નામોરી તથા નાના વરનોરાના સિકંદર ઇમરાન મમણ ઉપરાંત તેમની સાથેના અન્ય સાતેક માણસો સામે મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ પોલીસમાં દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે ગઇકાલે બપોરે આરોપી આશીફ મમણની બાઇક સાથે સાહેદ ભાવેશ નામની વ્યકિતની આઇ.ટેન કાર અથડાઇ હતી. આ મુદે અદાવત રાખી લાકડી, ધોકા અને પાઇપ સહિતના હથિયારો વડે આરોપી ટોળાએ આ હુમલો કર્યો હતો. ભુજ બી. ડિવિઝન પોલીસ મથકના ફોજદાર એ.એન.ભટ્ટે કેસની તપાસ હાથ ધરી છે. - રાતાતળાવ ખાતે હુમલો  બીજીબાજુ અબડાસામાં રાતાતળાવ ખાતે મંદિરના દરવાજા નજીક લાકડી વડે થયેલા હુમલામાં મોટી બાલાચોડ ગામના પ્રવીણગર કેશવગર ગોસ્વામી (ઉ.વ.40)ને ઇજાઓ થઇ હતી. વિકલાંગતાનો દાખલો કાઢી આપવા અને મનરેગાનું કામ આપવાના મુદે મોટી બાલાચોડ ગામના મહાવીરાસિંહ બળવંતાસિંહ જાડેજા, વિપુલાસિંહ બળવંતાસિંહ જાડેજા અને વિજયાસિંહ દિલુભા જાડેજાએ આ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer