કચ્છના વ્યવસાયકર્મીઓ માટે આત્મનિર્ભર લોન હજુ દૂર

કચ્છના વ્યવસાયકર્મીઓ માટે આત્મનિર્ભર લોન હજુ દૂર
ભુજ, તા. 21 : કોરોનાના લીધે ઉદ્ભવેલી સ્થિતિમા નાના-મધ્યમ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયકર્મીઓને પગભર બનવામાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી ગુરુવારથી તેના ફોર્મ વિતરણની શરૂઆત કરી હતી પણ કચ્છના નાના વ્યવસાયકારોને હજુ આત્મનિર્ભર થવા માટે રાહ જોવી પડશે તેવી સ્થિતિ પ્રથમ દિવસે સર્જાયેલી જોવા મળી હતી. કચ્છમાં કાર્યરત મોટા ભાગની સહકારી તંત્રની બેંકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાની વૃત્તિ અપનાવી હોય તેમ લોન આપવા માટે માહિતી-માર્ગદર્શન આપવાની વાત દૂર રહી અરજી ફોર્મ આપવાની તસ્દી લીધી નહોતી. રાજ્યભરની કો-ઓપરેટિવ બેંકોની બહાર ફોર્મ લેવા માટે જ્યાં લાંબી કતારો લાગી હતી ત્યાં કચ્છમાં જિલ્લામથક ભુજ સહિતનાં સ્થળે લોન લેવા ઇચ્છુક વ્યવસાયકારો સહકારી બેંકની બહાર પહોંચ્યા ત્યારે તેમને અરજી ફોર્મ લીધા વિના ખાલી હાથ પરત ફરવાનો વારો આવ્યો હતો. ભુજની વાત કરીએ તો અહીં એકમાત્ર બી.એમ.સી.બી.એ આત્મનિર્ભર સહાય યોજના તળે લોન આપવાની તૈયારી દર્શાવી પણ તે સિવાયની કો-ઓપરેટિવ બેંકોએ અમને હજી સુધી સરકાર સ્તરેથી કોઇ સૂચના મળી નથી, સૂચના મળ્યા બાદ લોન આપવા માટે ફોર્મ વિતરણ કરાશે તે પછી જ બેંકનો સંપર્ક કરવો તેવા લખાણ સાથેનો કાગળ બેંક બહાર લગાડી જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લીધા હતા. દયાપરથી મળેલા અહેવાલ અનુસાર અહીંની સહકારી બેંકોમાં પણ અરજદારોને ફોર્મ મેળવવા માટે ફાંફૃં મારવાનો વારો આવ્યો હતો. કેટલાક વ્યાપારીઓએ પોતાનો બળાપો ઠાલવતાં કહ્યું કે લોન માટેના અરજી ફોર્મની 11મી કોલમમાં એવું દર્શાવાયું છે કે અરજીનો તત્કાળ નિવેડો લાવો અને 15 ઓકટોબર સુધી રકમ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી. મે મહિનામાં કરેલી અરજી પછી છેક ઓકટોબરમાં રકમ મળવાનો લાંબોગાળો શા માટે રાખવામાં આવ્યો છે ? ભૂકંપ સમયે લોન સહાયમાં ગોટાળાઓને કારણે બદનામ થયેલી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કને હજુ સુધી આત્મનિર્ભર લોન આપવા બાબતની કોઇ માર્ગદર્શિકા મળી ન હોવાનું ચેરમેન દેવરાજ ગઢવીએ જણાવ્યું હતું. સરકાર સ્તરેથી જે સૂચના આવશે તે મુજબની અમલવારી બેન્ક દ્વારા કરવામાં આવશે. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર સરકારની જોગવાઈઓ અને રિઝર્વ બેન્કોની શરતો અંગે અસમંજસતા સર્જાઈ હોવાથી ગાંધીધામની સહકારી બેન્કોએ આજે આ લોનના ફોર્મ આપ્યા ન હતાં. સરકાર દ્વારા સહકારી બેન્કના પેટા નિયમો મુજબ લોન આપવા જણાવાયું છે.  રિઝર્વ બેન્કના નિયમો મુજબ લોનધારક સભાસદ હોવો જરૂરી છે, તેમજ સ્ટેમ્પ ડયુટી લગાડવી કે નહીં તે સહિતના મુદ્દે અસમંજસતા સર્જાઈ છે. જો સહકારી બેન્કો લોન આપે અને રિઝર્વ બેન્ક જો  કોઈ વાંધો ઉપાડે તો શું કરવું ? સરકારે અગાઉથી જ રિઝર્વ બેન્ક  સાથે ચર્ચા કરી હોત તો કોઈ પ્રશ્ન ઊભો ન થાત.  કોઓપરેટિવ ફેડરેશનના પદાધિકારીઓએ રિઝર્વ બેન્ક સાથે ચર્ચા-વિચારણા આદરી છે. સભાસદ પદ, સ્ટેમ્પ ડયુટી લગાડવી , તેની ફી વસૂલાત સહિતના મુદાઓનું  જ્યાં સુધી નિરાકરણ ન થાય ત્યાં સુધી બેન્કોએ ફોર્મ ન આપવા ફેડરેશન દ્વારા અનુરોધ કરાયો હતો, જેથી આજે  ગાંધીધામ કો-ઓપરેટિવ બેન્ક અને રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા આ અંગેની નોટિસ લગાડી દેવામાં આવી હતી. જ્યારે ગાંધીધામ મર્કેન્ટાઈલ બેન્કમાં ફોર્મ આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ફોર્મ વિતરણ કરવાનો સમય 8 ઓગષ્ટ સુધી છે, લાંબો સમય છે.  લોકડાઉનના સમય બાદ બેન્કોની લોન ઓછી થઈ ગઈ છે. આ યોજનાના કારણે લોન  વધવાથી બેન્કોનો  વ્યવસાય પણ વધશે. અર્બન કો-ઓપરેટિવ બેન્કની શ્રેણીમાંથી આવતી ભુજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્કે બે દિવસથી લોન માટેના ફોર્મ વિતરણ શરૂ કરી દીધાનું જનરલ મેનેજર સી. એ. સ્મિત મોરબિયાએ વિગતો આપતાં કહ્યું હતું. બે દિવસ  દરમિયાન 203 ફોર્મ વિતરિત કરી દેવાયા છે જે પ્રમાણેની પૂછતાછ થઇ રહી છે તે જોતાં આંકડો 1500થી 2000  આસપાસ પહોંચવાની ધારણા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે બેન્કના ડિપોઝિટરોના હિતને પણ ધ્યાને લઇ ધિરાણ આપવા સમયે પૈસા પરત આવવાની ગેરંટી હોય તેવી અરજીઓને પ્રાથમિકતા અપાઇ રહી છે, તેમની પાસે 1 જાન્યુઆરી 2020નું ધંધા-વ્યવસાયનું પ્રૂફ હોય તેઓ લોનના ફોર્મ લેવા આવે તેવી અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer