કચ્છમાં પ્રવેશવા સૂરજબારી પુલ પર વાહનોની કતાર

કચ્છમાં પ્રવેશવા સૂરજબારી પુલ પર વાહનોની કતાર
ભુજ, તા. 21 : લોકડાઉન દરમ્યાન થયેલી અખંડ તપસ્યા જેના થકી ભંગ થઈ રહી હોવાનો આક્ષેપ છે તે મુંબઈ-અમદાવાદથી સેંકડોની સંખ્યામાં નિજી વાહનો કચ્છ ભણી ગતિ કરી રહ્યા છે અને માત્ર ત્રણ કર્મચારીઓની આરોગ્ય તપાસણી ખૂબ જ અપૂરતી પડી રહી હોવનો આક્ષેપ સાથેનો ઘટસ્ફોટ સૂરજબારી પુલ પરથી થયો છે. જો કે તંત્ર સ્પષ્ટ છે કે પૂરતી તપાસ અને નોંધ થતી હોવાથી અને છૂટ મળી ગઈ હોવાથી વાહનોનો ધસારો વધ્યો છે. મૂળ કચ્છના ધંધાર્થે જિલ્લા બહાર ગયેલા કે પરત આવી રહેલા અમુક જાગૃતોના જણાવ્યા અનુસાર સૂરજબારી પુલ પર પહોંચવા માટે વાહનોની જે લાઈન લાગી છે તેમાં તેઓ બપોરે ત્રણ વાગ્યાથી ઊભા છે અને ત્રણ કલાક બાદ હજુ બેથી ત્રણ કલાક બાદ કચ્છ પ્રવેશી શકાશે તેવો અંદાજ બાંધી રહ્યા છે.સોશિયલ મીડિયા થકી આ લાંબી નિજી વાહનોની કતારને વાયરલ કરતા કરતા થાકેલા આ જાગૃતોએ `કચ્છમિત્ર' સાથે ફોન પર વાત કરી તથા લાઈવ વીડિયો દર્શાવતાં ઉમેર્યું કે, લાંબી પ્રતિક્ષા બાદ કચ્છ પહોંચાય છે પણ તપાસ જેવું કંઈ છે જ નહીં, માત્ર ત્રણ જ આરોગ્ય કર્મચારી થર્મલ ગનથી ટેમ્પરેચર માપીને વાહનોને આવવા-દેવાનો નિર્ણય લઈ રહ્યા છે. કચ્છ ભણી જે પ્રવાહ ઠલવાઈ રહ્યો છે તે મોટા ભાગે જિલ્લા બહારના પાસિંગવાળી ગાડીઓ છે, મુંબઈ અને અન્ય રાજ્યોની પણ સેંકડો ગાડીઓ છે. એક અંદાજ અનુસાર સાંજે છ વાગ્યે ઓછામાં ઓછી બે હજાર ગાડીઓ આ કચ્છ પ્રવેશ માટેની પ્રતિક્ષામાં હતી.આ લાંબી લાઈન વચ્ચે બેથી ત્રણ એમ્બ્યુલન્સ પણ હતી કે જેમાં દર્દીઓ હતા, રાજકોટથી પરત આવી રહેલી અને હજુ ગઈકાલે જ કચ્છથી ગયેલી આ બંને એમ્બ્યુલન્સને પણ લાંબી લાઈનમાં જ ઊભવાનો આગ્રહ કરાયો હતો. બહારથી વતન પરત આવી રહેલાઓ અને ગઈ રાત્રે જઈને બપોરે પરત આવી રહેલાઓ વચ્ચેનો કોઈ તફાવત પણ આ સ્થળે સાંભળનારા કોઈ નહોતા.આ જાગૃતોના જણાવ્યા અનુસાર પોસ્ટ પર પાંચ કોમ્પ્યુટર માત્ર છે. કોઈ ગાડીઓની ચકાસણી થતી નથી. કોઈ આરોગ્ય તપાસ થતી નથી. પરપ્રાંતની ગાડી હોય તો પાસ મગાય છે અને એ પાસ અંગ્રેજીમાં હોય તો તેઓ આમાં શું વાંચીએ ? જાવ-જાવ એમ કહીને અંગ્રેજીની અજ્ઞાનતા દર્શાવી વાહનોને આવવા દે છે. સેંકડો વાહન ખાટલા-પલંગ અને ગાદલા-ગોદડા સહિતની ઘરવખરીવાળા છે. ગેસના સિલિન્ડર પણ તદ્દન  બેજવાબદારીથી ચૂલા સાથે જ લઈ જવાય છે. જો કોઈ પણ અકસ્માત સર્જાય તો આ બાટલો બોમ્બ બની જાય તેમ છે. દરમ્યાન જિલ્લા વહીવટી તંત્ર વતી સૂરજબારી ચેકપોસ્ટ પરની તમામ વ્યવસ્થા સંભાળી રહેલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે પૂરી વ્યવસ્થા સમજાવતાં કહ્યું હતું કે, વાહન ચેકિંગનું કામ એક પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની 7થી 10 જણની ટીમ સંભાળે છે. એક મેડિકલ ઓફિસર અને ચાર આરોગ્ય કર્મચારી તથા એક એમ્બ્યુલન્સ તૈનાત છે, પ્રવેશનાર તમામે તમામ વાહનોનું ઓનલાઈન પોર્ટલમાં નામ-નંબર નોંધાય છે. ક્યાંથી આવવા-જવાના ઈત્યાદિ, પાંચ કોમ્પ્યુટર ઓપરેટર આ કામગીરી સંભાળે છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી એક ઉચ્ચ અધિકારીના નેતૃત્વ હેઠળ ના. મામલતદાર અને વિસ્તરણ અધિકારી કેડરના મહેસૂલ અને પંચાયતના કર્મચારીઓની ટીમ પણ ત્યાં જ છે અને ઉપયોગી થાય છે. આજે પી.જી.વી.સી.એલ.નું કોઈ મોટું સમારકામ ચાલતું હોવાથી વીજ જોડાણમાં વારંવારના વિક્ષેપ આવતા હોવાથી તાત્કાલિક અસરથી એક જનરેટર પણ ત્યાં રવાના કરાયું છે. રાજ્ય-રાજ્યમાં આંતરિક હેરફેરની છૂટ મળી હોવાથી એકાએક વાહનોનો ધસારો વધ્યો હોવાનું તારણ આપતા આ અધિકારીએ એક પણ પરપ્રાંતથી આવતું વાહન નોંધ વગર જાય નહીં તેવી વ્યવસ્થા હોવાથી થોડું મોડું થતું હશે તે કબૂલી અરાજકતા કે કોઈ જ અંધાધૂંધીનો ઈન્કાર કર્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer