ગળપાદરમાં વીજડીપી પ્રશ્ને તંત્ર ગ્રામજનો આમને સામને

ગળપાદરમાં વીજડીપી પ્રશ્ને તંત્ર ગ્રામજનો આમને સામને
ગાંધીધામ, તા. 21 : તાલુકાના ગળપાદરમાં છેલ્લા લાંબા સમયથી હાઈ વોલ્ટેજની  સમસ્યાને  કારણે આજે સ્થાનિકોના વીજઉપકરણોને નુકસાન થતાં લોકોએ ભારે વિરોધ વ્યકત કરી  ડીપીનું સમારકામ કરવા આવેલી વીજ ટીમને સ્થળ ઉપર રોકી રાખી અધિકારીઓ સમક્ષ   તાત્કાલિક વીજ ડીપી બદલવા માંગ કરી હતી. જો કે ભારે મથામણ બાદ વીજતંત્રે ડીપી બદલી  પ્રશ્નનું નિરાકરણ કરતા મામલો થાળે પડયો હતો. ગળપાદરમાં રામદેવ પીર મંદિરની બાજુમાં આવેલા   વીજ ટ્રાન્સફરમાં  લાંબા સમયથી ક્ષતિ હોવાથી અવાર-નવાર  લોકોના વીજ ઉપકરણોને નુકસાન થતું હોવાના મામલે ગ્રામજનો  અને વીજતંત્રના અધિકારીઓ વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી.અત્રે સમારકામ અર્થે આવેલી ટીમને નારાજ થયેલા લોકોએ રોકી  રાખીને ઉપરી અધિકારીઓને સ્થળ ઉપર નિરીક્ષણ કરવા  બોલાવવા તથા ક્ષતિગ્રસ્ત યંત્રને બદલી આપવા માંગ કરી હતી. આ મામલે ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન મ્યાત્રાએ પણ વીજતંત્રના અધિકારીઓ સમક્ષ યોગ્ય કરવા રજૂઆત  કરી હતી.  ગીતાબેનના પુત્ર પંકિતભાઈએ કચ્છમિત્ર સાથે વાત કરતાં કહ્યંy હતું કે વખતો-વખતો રજૂઆત કરવા છતાં વીજતંત્ર  દ્વારા આ પ્રશ્નને કાયમી રીતે  ઉકેલવામાં આવતો ન હતો. હાઈ વોલ્ટેજના કારણે આજુ-બાજુના વીજ ઉપકરણોને  નુકસાન થાય છે.આર્થિક રીતે નબળો વર્ગ આ પ્રકારની નુકસાનીનો  માર કેટલી વખત  સહન  કરે  છે. જેને કારણે  આજે બબાલ સર્જાઈ હતી.રજુઆત વેળાએ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન  સાથે વીજતંત્ર  અધિકારીઓએ  ગેરવર્તન કર્યુ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. જેને વીજતંત્રના અધિકારીઓએ નકાર્યો હતો.  આજે સવારથી સાંજ સુધી ચાલેલી  આ બબાલના અંતે સાંજના સમયે  વીજતંત્રે ક્ષતિગ્રસ્ત ડીપીને બદલી આપતાં   મામલે  થાળે પડયો હતો. નોંધપાત્ર છે કે ગાંધીધામ અને અંજારના અનેક વિસ્તારમાં વીજ સમસ્યાની બૂમો ઉઠી છે. તંત્રના અધિકારીઓ વીજપ્રશ્ન સત્વરે ઉકેલવામાં દાદ  ન આપતા હોવાના આક્ષેપો સમયાંતરે ઉઠયા હતા. ઉનાળાના કપરા તાપના સમયમાંવીજવિક્ષેપની  સમસ્યા કાયમી  નિવારવા માંગ ઉઠી હતી.    

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer