બિહારના 2350 શ્રમિકની કચ્છમાંથી રવાનગી

બિહારના 2350 શ્રમિકની કચ્છમાંથી રવાનગી
ભુજ/ગાંધીધામ, તા. 21 : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનના લીધે અનેક શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે, ત્યારે આજે ભુજ અને ગાંધીધામથી બે ટ્રેન બિહાર રવાના થઈ હતી, જેમાં કુલ 2350 શ્રમિકો વતન તરફ નીકળી ચૂક્યા છે. આવતીકાલે ભુજથી વારાણસી અને છપરા (બિહાર) તથા ગાંધીધામથી સાસારામ (બિહાર) જવા શ્રમિકો માટે ખાસ ટ્રેન રવાના થશે. રાજ્ય બહારના શ્રમિકો માટે આજે ભુજમાંથી છઠ્ઠી ટ્રેન ઊપડી હતી. ભુજથી બિહારના ખાગરીઆ માટે સવારે છ વાગ્યે ઊપડેલી આ ટ્રેનમાં અંદાજે 1686 જેટલા શ્રમિક વતનવાપસી માટે રવાના થયા હતા. લખપત, માંડવી, મુંદરા, રાપર અને ભુજમાંથી શ્રમજીવીઓ રાત્રે બે વાગ્યે જ ભુજના રેલવે મથકે આવી પહોંચ્યા હતા. સેવાભાવી સંસ્થા દ્વારા આ શ્રમિકો માટે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી વિતરણ કરાયું હતું. દરમ્યાન, આજે બપોરે પણ ભુજથી છપરા જવા ટ્રેન નીકળવાની હતી પરંતુ કોઈ કારણોસર રદ કરીને હવે આ ટ્રેન આવતીકાલે શુક્રવારે રવાના થશે. શ્રમિકો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા શહેર મામલતદાર એ. એ. સુમરા, નાયબ મામલતદાર શ્રી પ્રજાપતિ, તાલીમી નાયબ કલેક્ટર જય રાવલ, વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ કાયદો-વ્યવસ્થા સંભાળવા ડીવાય.એસ.પી. શ્રી પંચાલ અને પી.આઈ. તથા પી.એસ.આઈ. તેમજ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. દરમ્યાન ગાંધીધામ ખાતે આજે  બિહારના શ્રમિકોને  વતન લઈ જતી ટ્રેન રવાના થઈ હતી. આજે સવારે 11 વાગ્યાના અરસામાં ગાંધીધામથી બિહારના દાનાપુરની ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી.  વહેલી સવારથી જ પ્રવાસીઓને અલગ અલગ બસમાં રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા હતાં. અને 30 જણાના જૂથમાં ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતાં. શ્રમિકો  માટે  ફુડ પેકેટ અને પાણીની બોટલની વ્યવસ્થા સ્વૈછીક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી.આજે બિહાર ટ્રેન રવાના થઈ તેમાં ભુજ તાલુકાના35 પ્રવાસીઓ હતાં જયારે બાકીના 1665  પ્રવાસીઓ ગાંધીધામના જ હતાં.આવતી કાલે કચ્છમાંથી વધુ ત્રણ શ્રમિક ટ્રેનો રવાના થશે. જેમાં ભુજ-વારાણસી,ભુજ-છપરા, અને ગાંધીધામથી બિહારનાસાસારામના શ્રમિકોને વતન પહોચાડવામાં આવશે.  અંજારના પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓ  કર્મચારીઓ આયોજનમાં સહયોગી બન્યા હતાં.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer