`હું પણ કોરોના વોરિયર'' અભિયાન માટે કચ્છનો નિર્ધાર

ભુજ, તા. 21 : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીની લડાઇમાં જનજનની ભાગીદારી માટે હું પણ કોરોના વોરિયર રાજય વ્યાપી અભિયાનનો તા.21 થી 27 મે. સુધી પ્રારંભ કર્યો છે. વૈશ્વિક મહામારીને માત કરવા જનજાગૃતિ અને જનભાગીદારી માટે આજથી પ્રારંભ આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજયના વહીવટી તંત્રના અધિકારીઓને, સમાજના પ્રબુદ્ધ અગ્રણી નગરજનો, શ્રેષ્ઠીઓ, વિવિધ સંપ્રદાયના વડાઓ તેમજ લોકપ્રિય નાગરિકો, સામાજિક સંગઠનો અને ટ્રસ્ટો સાથે સામાજિક જનજાગૃતિ ફેલાય તે માટે મુખ્યમંત્રીએ સર્વને અનુરોધ કર્યો હતો કે દરેક પોતાના જિલ્લામાં `ગુજરાત જીતશે કોરોના હારશે' એવી સામાજિક ચેતના જગાવીને લોકોમાં કોરોના વચ્ચે નિયમ પાલન આદત બને તેમ સંદેશો આપવા જણાવ્યું હતું. કચ્છ જિલ્લા તંત્રે અને અગ્રણીઓએ આ જીવંત સંવાદમાં ઉપસ્થિત રહી. સવાયા કચ્છી સાબિત થવા લોકોમાં `હું પણ કોરોના વોરિયર'ની ચેતના જગાડવા નિર્ધાર કર્યો હતો. દરમ્યાન કલેકટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લાના શ્રેષ્ઠીઓ વિવિધ સંપ્રદાયના ધાર્મિક વડાઓ, વેપારીઓ સામાજિક અગ્રણીઓ, કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષસ્થાને કચ્છમાં કચ્છીઓનાં `હું પણ કોરોના વોરિયર'ની સામાજિક ચેતના જગાડવાના પ્રયાસો બાબતે સંકલ્પ કર્યો હતો.કલેકટરે અપીલ કરી હતી કે સાવચેતી સલામતી, સુરક્ષા માટેના આ અભિયાનમાં અન્ય રાજયના પ્રવાસીઓને 7 દિવસ ઈન્સ્ટિટયુશનલ અને 7 દિવસ હોમ કવોરન્ટાઇન ફરજીયાત રહેવાનો સંદેશો પહોંચાડવો. મુખ્યમંત્રીની અપીલ પ્રમાણે સર્વ કચ્છીમાડુઓએ કોરોના વચ્ચે નિયમ પાલન કરી જીવન જીવતા શીખવાનું છે. ગાઇડલાઇન મુજબના સૂચનોને રોજીંદા જીવનમાં આદતો વણી લેવી પડશે એમ અધિક નિવાસી કલેકટર કુલદીપાસિંહ ઝાલાએ જણાવ્યું હતું. એ હેઠળ 22મી તારીખે સેલ્ફી વીથ દાદા દાદી કે સેલ્ફી વીથ નાના નાની કરવાનું છે.આ બેઠકમાં વિવિધ સંપ્રદાયના ધાર્મિક વડાઓએ પણ લોકડાઉનમાં પૂજા, ઈબાદત ઘરમાં રહીને જ કરવાનું લોકો સુધી સંદેશ પહોંચાડવાની વાતને સમર્થન આપ્યું હતું. આ બેઠકમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, સ્વામિ મંદિરના સંતો, શીખ સંપ્રદાયના મહેન્દ્રસિંહ સૈની, કબીર મંદિરના કિશોરદાસજી, જાણીતા લોક ગાયિકા ગીતાબેન રબારી, ડો. નવઘણ આહીર, રેશ્માબેન ઝવેરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.