રોહામાં પવનચક્કીના વીજવાયરનાં આંચકાથી મોરનું મોત

રોહામાં પવનચક્કીના વીજવાયરનાં આંચકાથી મોરનું મોત
નખત્રાણા, તા. 21 : તાલુકાના રોહા (સુમરી) ગામે તાજેતરમાં ખાનગી કંપની પવનચક્કીનું વીજવહન કરતી વીજરેષાના સંપર્કમાં આવતા રૂપકડા મોરનું મૃત્યુ થયું હતું. તો સમયાંતરે મોરોના આ રીતે મરણ થતાં હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. તો તેંત્રીસ હજારથી ચાલીસ હજાર વોલ્ટના વીજ તારો પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં આ પક્ષીને કરંટ લાગતાં ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસમાં રહેતા લોકો દોડી ગયા હતા. તો વનતંત્ર પણ આવી પહોંચતાં ગ્રામજનોએ અવારનવાર આ પવનચક્કીના વાયરોના કરંટને કારણે મોત થઈ રહ્યા હોવાની રજૂઆત કરી હતી. આ વીજ લાઈનો નાખવામાં  ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ અંગે નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર સુધી પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તપાસ થતી નથી. ગામની પૂર્વ બાજુ વાડી વિસ્તાર હોવાથી કંપનીને વીજલાઈન પસાર કરવા મોટો ખર્ચ થાય. જ્યારે પશ્ચિમ બાજુ જંગલ ખાતાની મોટી હદ છે. ગામની ચારેતરફ હેવી વીજલાઈન ખાનગી કંપનીઓની નાખવામાં આવતા જોખમી છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે રોહાના વિસ્તારમાં  મોટા પ્રમાણમાં જંગલ છે. અહીં મોર-વિવિધ પશુ-પક્ષીઓ, દીપડાઓનો વસવાટ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer