ગાંધીધામના પોશ વિસ્તારમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

ગાંધીધામના પોશ વિસ્તારમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ
ગાંધીધામ, તા. 21 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં આવેલા વોર્ડ 7-સીના એક મકાનમાં એલ.સી.બી.એ છાપો મારી જુગારની કલબનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન 11 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી રોકડ રૂા. 3,41,070 જપ્ત કરવામાં આવ્યા હતા.ગુરુકુળ વિસ્તારના વોર્ડ 7-સીમાં આવેલા મકાન નંબર 133માં રહેનાર નવીન બાબુલાલ ઠક્કર નામનો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેમને જુગાર રમાડતો હોવાની પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થાનિક ગુનાશોધક શાખાએ આ બંધ મકાનમાં છાપો માર્યો હતો. મકાનમાં જુગાર રમી રહેલા મકાનમાલિક નવીન બાબુલાલ ઠક્કર, વાસુદેવ કેવલરામ નાનપણી (રહે. સુભાષનગર), હરિધન બુધરામ ભગત (રહે. ભારતનગર), કિશોર પોપટ સોલંકી (રહે. આદિપુર), ભૂરી ધનુમલ હોતચંદાણી (રહે. અપનાનગર), અજયસિંહ હકુભા સોઢા (રહે. અયોધ્યાપુરી-રાપર), દીપક કરશન ડાંગર (રહે. વોર્ડ 7-સી ગાંધીધામ), લક્ષ્મણ રામભાઇ જાજણી (રહે. ઝૂલેલાલ સોસાયટી-ભારતનગર), મયૂર ધીરજલાલ ઠક્કર (રહે. રબારી સોસાયટી-ભારતનગર), નટુ મૂળજી ઠક્કર (રહે. વાલ્મીકિ સોસાયટી-ભારતનગર) અને રાજુ ઇશ્વર રામજાણી (રહે. ગણેશ સોસાયટી-ભારતનગર) નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પત્તા ટીંચી રહેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 3,41,070 તથા પાંચ વાહનો અને 12 મોબાઇલ એમ કુલ્લ રૂા. 19,73,570નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. સ્થાનિક એ-ડિવિઝન પોલીસ મથકની પછવાડે જ આવેલા આ મકાનમાં એલ.સી.બી.એ છાપો મારતાં સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ પડી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી.એ આ કાર્યવાહી કરતાં હવે આ પ્રકરણમાં કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તેવો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer