લાખોંદમાં પનીર પ્લાન્ટનું ઓનલાઇન લોન્ચિંગ કરાયું

લાખોંદમાં પનીર પ્લાન્ટનું ઓનલાઇન લોન્ચિંગ કરાયું
ભુજ, તા. 21 : કચ્છ જિલ્લા સહકારી સંઘ દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી' દ્વારા નિયામક મંડળની ઓનલાઇન મળેલી મિટિંગમાં દૂધ સંઘના લાખોંદ સ્થિત દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સ્થાપવામાં આવેલા પનીર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી અને સરહદ ડેરીની બનાવટવાળું અમૂલ પનીરનું લોચિંગ કરવામાં આવ્યું હતું. પનીર પ્લાન્ટના ઉદ્ઘાટન બાબતે ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, સરકારની ગાઇડલાઇન મુજબ મેળાવડો થઇ શકે નહીં તે હેતુથી દૂધ સંઘ દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવા માટે નિયામક મંડળની મિટિંગ પણ ઓનલાઇન ગોઠવવામાં આવી હતી. પનીર  પ્લાન્ટ સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બે ટન પ્રતિ દિનની કેપેસિટીવાળો પનીર પ્લાન્ટ 285 લાખના ખર્ચમાં બનાવવામાં આવ્યો છે. જેમાં 113 લાખ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી પનીર અમદાવાદ સ્થિત ફેડરેશનના અમૂલ ફેડ. ડેરી પ્લાન્ટમાંથી આવતું, જેથી તેનો પરિવહન ખર્ચ તેમજ ટ્રાન્સપોર્ટેશન સમય બચાવવા માટે દૂધ સંઘ દ્વારા સરકારમાં પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો હતો અને ફેડરેશન દ્વારા સરકારમાં સરહદ ડેરી દ્વારા પનીર પ્લાન્ટ સ્થાપવા માટે ભલામણ કરવામાં આવી હતી, જેનો ત્વરિત સ્વીકાર કરી અને પનીર પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી હતી. સરહદ ડેરી દ્વારા ત્વરિત કામકાજ શરૂ કરી અને પ્રોજેકટની સ્થાપના કરવામાં આવી છે અને તાત્કાલિક પનીરનું પ્રોડકશન શરૂ કરી સરહદ ડેરીની બનાવટનું પનીર અમૂલ પાર્લર પર હોટેલ, પ્રાઇવેટ ઘરવપરાશનાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. પનીરનું પ્રોડકશન સરહદ ડેરીએ શરૂ કરતાં કચ્છમાં જેટલો પનીરનો વપરાશ છે તે હવે સ્થાનિકેથી કચ્છમાં જ અમૂલનાં વેચાણ કેન્દ્રો ઉપરથી પૂરતા જથ્થામાં ઉપલબ્ધ થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer