53 બસ દ્વારા કચ્છને સાંકળતા 164 રૂટ શરૂ

53 બસ દ્વારા કચ્છને સાંકળતા 164 રૂટ શરૂ
ભુજ, તા. 21 : સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19ના પગલે લોકડાઉનની અમલવારીના પગલે થંભી ગયેલા એસ.ટી. બસના ટાયરો ગઈકાલથી રાજ્ય સરકારની છૂટ મળ્યા બાદ પુન:?દોડતા થયા છે. સરકારના દિશાનિર્દેશો અને એસ.ટી. ડેપોના નિયમોનુસાર ભુજ ડેપોથી જિલ્લાના દસ તાલુકા અને રાજકોટ જિલ્લામાં બસ સેવાનો પ્રારંભ થયો હતો. કચ્છ જિલ્લામાં પ્રતિ દિન પ3 શિડયુલની 164 ટ્રીપનો પ્રારંભ થયો છે. સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ભુજ એસ.ટી. ડેપોમાંથી જિલ્લાના અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, લખપત, માંડવી, મુંદરા, નખત્રાણા અને રાપર, ગાંધીધામ ખાતે 30 પેસેન્જરો સમાવતી સામાજિક અંતર સાથે બસ શરૂ કરાઈ હતી. વિભાગીય નિયામક સી. ડી. મહાજને જણાવ્યું કે, તમામ ટ્રીપ બાદ બસ સાથે વર્કશોપ અને એસ.ટી. સ્ટેશનો પણ સેનિટાઈઝ કરાય છે. ભુજથી રાજકોટ સવારની એક ટ્રીપ આઠ વાગ્યાથી પ્રારંભ કરાઈ હતી. દરેક મુસાફરોનું થર્મલ ગનથી ટેમ્પરેચર તપાસી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે મુજબ ટિકિટ ચેકિંગની પ્રક્રિયા કરાય છે. લોકોના હાથ સેનિટાઈઝથી સાફ કરાવાય છે. લોકો પણ સહયોગ આપી રહ્યા છે. તમામ મુસાફરોને માસ્ક પહેરવું ફરજિયાત છે, ઉપરાંત જો મુસાફર થૂંકતા પકડાય તો રૂા. 200 સુધીનો દંડ વસૂલ કરવાની જાગૃતિના સાઈન બોર્ડ પણ ડેપોમાં મરાયા છે. બસના એક મહિલા મુસાફરે જણાવ્યું હતું કે, `એસ.ટી. બસ ચાલુ કરી સરકારને અચ્છા કિયા હૈ, અબ હમ અપને શહરમેં ઈતમીનાન સે પહોંચ પાએંગે' તો અન્ય એક યાત્રીએ કહ્યું કે, `કોરોના વાયરસના સંક્રમણમાં સાવચેતી અને સાલમતીનાં પગલાં રૂપે જે વ્યવસ્થા કરાઈ છે તેનાથી ડર વિના ઘેર જવાશે' સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લોકો નિરાંતે મુસાફરી કરે એ માટે અમે સેવામાં હાજર રહીએ છીએ. કારણ હું પણ છું કોરોના વોરિયર. સલામત સેવા અમારી એસ.ટી. સેવા તમારી સૂત્રને સાકાર કરે છે, આ સેવા સાથે સંકળાયેલા તમામ કોરોના વોરિયર્સ, તેવું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું હતું. ઉપરાંત નલિયા એસ.ટી. ડેપો દ્વારા બસસેવાના પ્રારંભિક તબક્કે જિલ્લા મથક ભુજને સાંકળતી ચાર જેટલી એસ.ટી. બસો શરૂ કરાઈ છે. લાંબા સમયથી આ સેવા બંધ હોતાં જિલ્લા મથકે જવા માટે ખાસ તો મેડિકલ સેવા માટે ખાનગી વાહન કરી ભુજ જવું પડતું હતું. જેથી ગરીબ લોકોને નલિયાથી ભુજનું ભાડું રૂા. 2000 ચૂકવવું પડતું હતું. એસ.ટી. બસસેવા શરૂ થતાં હવે રાહત થઈ છે. એસ.ટી. ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારોને સાંકળતી કોઈ બસ શરૂ કરાઈ નથી. જેના કારણે તાલુકા મથકે આવવા માટે લોકોને ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે. માંડવી રૂટ ઉપરાંત નારાયણસરોવર અને ગ્રામ્ય સેવાના રૂટોની બસસેવા ચાલુ કરવા માગણી ઊઠી છે. ઉપરાંત એસ.ટી.નો લેન્ડલાઈન નંબર બંધ હોતાં લોકો ડેપોનો સંપર્ક સાધી શકતા નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer