દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની કંડલા સ્થિત કચેરીઓમાં સગવડના અભાવની બૂમ

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની કંડલા સ્થિત કચેરીઓમાં સગવડના અભાવની બૂમ
ગાંધીધામ, તા. 21 :કચ્છમાં અત્યારે ગરમીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે અને કોરોના સંક્રમણના ભયથી તમામ પ્રવૃત્તિઓ ખોડંગાતી ચાલી રહી છે તેવામાં અહીંના દીનદયાળ મહાબંદરે આવશ્યક સેવા જાળવી રાખી છે તેમાં કામદારો, ટ્રાફિકના આઉટડોર કર્મચારીઓનું મોટું પ્રદાન છે. પરંતુ આ તમામના કામ કરવાના સ્થળની બદતર હાલત ભણી કોઇ ધ્યાન ન આપતું હોવાનો આક્ષેપ ઉઠયો છે. કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ.એમ.એસ.)ના મહામંત્રી મનોહર બેલાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે મહાબંદરે 24 કલાક ચાલતી કાર્ગો હેન્ડલીંગ કામગીરી કામદારો જાનના જોખમે કરી રહ્યા છે. બર્થ નં. 1થી 16, મુખ્ય ગેટ, વેબ્રીજ વગેરે જગ્યાએ કામદારો આ કઠિન કામગીરી સંભાળે છે. અત્યારે 42 ડિગ્રી ગરમી વચ્ચે કામ કરતા આ કર્મચારીઓ, આઉટડોર સ્ટાફ માટે કાર્ગો જેટીની અંદર આવેલી કચેરીઓને વાતાનુકૂલિત બનાવવા બંદર પ્રશાસને નિર્ણય લીધો હોવા છતાં આ વ્યવસ્થા ઊભી ન થતાં આ કામદારોની હાલત કફોડી છે. કંડલાની અન્ય તમામ કચેરીઓમાં એ.સી. નખાયેલાં છે ત્યારે ટ્રાફિક આઉટડોર, ફલોટિલા સુપરવાઇઝરની કચેરીમાં એ.સી. ન નાખવાનું કોઇ કારણ નથી. જેટીઓ ઉપર કાર્યરત ટ્રાફિક આઉટડોર સ્ટાફની કચેરીઓમાં દરેકમાં છત સાવ તૂટેલી છે. અનેક કચેરીમાં છતમાંથી પોપડા ખર્યા છે. વરસાદના સમયમાં છતમાંથી પાણી ટપકે છે. જેથી કામગીરી ખોરવાય છે અને ઓફિસ રેકર્ડ પણ પલળતો હોવાની વ્યાપક રાવ છે. ગત ચોમાસે આ અંગે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઇ યોગ્ય કરવા ખાતરી આપી હતી, પણ આજ સુધી તેનું કોઇ અમલીકરણ નથી થયું. હવે એચ.એમ.એસ. સંગઠનો જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો પેનડાઉન હડતાળની ચીમકી આપી છે. કામદારોને પૂરતી સુવિધા, સુરક્ષા અપાતી નથી ત્યારે પ્રશાસન બીજી બાજુ ખાનગીકરણ કરીને લાખો રૂપિયાના ચૂકવણાં કરે છે. હવે જ્યારે ડીપીટી ઉપાધ્યક્ષની જગ્યા પુરાઇ છે ત્યારે કામદારોના પ્રશ્નોનો ઝડપથથી ઉકેલ લવાય તે ઇચ્છનીય છે તેવું યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer