કેન્દ્રનું પેકેજ કાળાં વાદળની સોનેરી કોર જેવું

કેન્દ્રનું પેકેજ કાળાં વાદળની સોનેરી કોર જેવું
ગાંધીધામ, તા. 21 : કોરોના વાયરસની આપત્તિ વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરેલા રૂા. 20 લાખ કરોડના જંગી આર્થિક  પેકેજે ઓછા વેચાણ અને પાતળા નફાનો ભોગ બનેલા ભારતના વ્યાપાર જગતમાં વમળો સર્જ્યાં છે. અર્થતંત્ર પર મહામારીનાં કાળાં વાદળોમાં  સોનેરી કોર જેવું કામ આ પેકેજે કર્યું છે, એવી લાગણી આ સંકુલના ઉદ્યોગ સાહસિક અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ અનિલકુમાર જૈને વ્યક્ત કરી હતી. મિકેનિકલ એન્જિનીયર એવા શ્રી જૈને કહ્યું હતું કે, આ આર્થિક પેકેજ અર્થતંત્ર માટે રામબાણ ઇલાજ પુરવાર થશે ? તેવો સવાલ ઊઠયો છે. સમયના ચક્રમાં જો થોડા પાછળ જઇને જોશું તો વડાપ્રધાન નરેન્દ્રભાઇએ એક વખત કહ્યું હતું કે, એક ભજિયાંવાળો પણ સ્વરોજગાર મારફતે અર્થતંત્રમાં પ્રદાન કરે છે, તે સમાજ ઉપર બોજારૂપ બનતો નથી. કોઇ પણ કારણે આ વાતને વિરોધપક્ષે મજાક બનાવી દીધી હતી. એક ઉદ્યોગ સાહસિક તરીકે આ વલણથી સહેજ પણ અચરજ થતું નથી. મોદી એક રાજકીય ઉદ્યોગ સાહસિક છે. તેઓ જાણે છે કે એક ઇનોવેટિવ વિચાર રજૂ કરવા બદલ તેમની હાંસી થઇ?રહી છે, તેવું તેમણે કહ્યું હતું. શ્રી જૈનના કહેવા મુજબ આપણા સમાજમાં હજુ અંગ્રેજોની વિચારસરણીનું વર્ચસ્વ છે. આપણા યુવાનો આરામદાયક નોકરી અને વાર્ષિક તગડાં પેકેજ મળે તેવાં જ સ્વપ્ન જુએ છે. આ વળગણ ખૂબ લોભામણું છે. પરિણામે  ભાવિ સુરક્ષા, સલામતી તથા કોઇ પણ જોખમ લેવાથી દૂર રહેવાનું વલણ મોટાભાગના લોકોનો ધર્મ બની ગયો છે. આવા માહોલમાં સહેજ પણ?અલગ રીતે વિચારનાર વ્યક્તિને  વિચિત્ર નજરે જોવામાં આવે છે. આવા સમયે દેશમાં સ્વરોજગારનું સન્માન કરવાની મોદીની વાત આપણી માનસિકતામાં  મોટો ફેરફાર માગી લે છે. પકોડા કે ભજિયાંવાળો ફૂટપાથથી ધંધાની શરૂઆત કરે છે, તે પછી તે દુકાન, સ્ટોર અને આખરે બ્રાન્ડનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ સમગ્ર યાત્રામાં  તે અનેક કટોકટીનો સામનો કરે છે. ઉદ્યોગ સાહસિકતાનો  પાયો નિષ્ફળતા ઉપર જ રચાયેલો છે. આપણે નિષ્ફળતાનું સન્માન કરવાની દૃષ્ટિ કેળવવી પડશે અને તો જ ઉદ્યોગ સાહસિકતાની  સંસ્કૃતિ વિકસશે. ભારતમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિ તથા ઇનોવેશનનો  અભાવ છે, તેવા બખાળા કાઢવાથી અર્થતંત્રને  કોઇ ફાયદો  નથી. આપણે જ્યાં સુધી સ્વરોજગારીને  પ્રોત્સાહન આપશું નહીં ત્યાં સુધી કોઇ નાનું એકમ મોટું કદ ધારણ નહીં કરી શકે. ગ્રાહકોનો આટલો મોટો  સમુદાય ધરાવતા ભારતમાં  મંદી કે માંગના અભાવની સ્થિતિ કેવી રીતે પેદા થાય છે તે સામાન્ય જ્ઞાનથી સમજાય તેવી વાત નથી. આપણી પાસે કુદરતી સ્રોતો છે. શિક્ષિત માનવબળ છે. આટલી મોટી વસતી છે તો પછી એવું ક્યું પરિબળ છે જે ભારતને જંગી અર્થતંત્ર બનતાં અટકાવી રહ્યું છે ?આથી સાધનોની તંગી હોવા છતાં સારા ઇરાદાથી જંગી આર્થિક પેકેજ જાહેર કરાય ત્યારે આપણે જૂનવાણી ખ્યાલો ત્યજીને પરિવર્તનને  આવકારવાની જરૂર છે. જો ઉદ્યોગ સાહસિકોને ઊંચો દરજ્જો નહીં આપીએ તો ઘણા મહત્ત્વાકાંક્ષી યુવાનો અર્થતંત્રથી દૂર રહેશે અને અર્થતંત્ર પણ ગોકળગાય ગતિએ ચાલશે. તો ચાલો આપણે પણ પકોડાવાળાની જેમ કરીએ પ્રારંભ. આપણને જરૂર છે સમાજવાદી હૃદય ધરાવતી મૂડીવાદી માનસિકતાની, એવું શ્રી જૈને ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer