આવશ્યક ચીજવસ્તુની દુકાનોને ઓડ-ઇવન લાગુ નહીં પડે

ભુજ, તા. 21 : વેપારીઓ અને લોકોની મૂંઝવણો વચ્ચે કચ્છના વહીવટીતંત્રે આજે ફરી  મોડી રાત્રે વધુ એક  ભૂલ સુધારા જાહેરનામું બહાર પાડયું હતું જે મુજબ કન્ટેનમેન્ટ ઝોન બહાર બજાર વિસ્તાર કે શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ -ઇવનની જોગવાઇ લાગુ પડશે નહીં. આમ, મેડિકલ ઉપરાંત કરિયાણા જેવી દુકાનો રોજ ચાલુ રહી શકશે. દરમ્યાન, એવા હેવાલ પણ મળી રહ્યા છે કે વેપારીઓની નારાજી અને ભાજપના પદાધિકારીઓ સહિતના પરિબળોની રજૂઆતોને પગલે કચ્છમાં એકાદ દિવસમાં જ દુકાનો સાંજે 4 વાગ્યાને બદલે ફરી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાય એવી પરવાનગી મળી શકે છે. તંત્રે જાહેરનામામાં કહ્યું છે કે તમામ દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન કોઇ પણ બાધ વિના ખુલ્લી રાખી શકાશે. પેટ્રોલપંપો સવારે 8થી સાંજે 6 સુધી ચાલુ રહેશે. જ્યારે હાઇવે પરના પેટ્રોલપંપો સમયના બાધ વિના ચાલુ રહી શકશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer