પોઝિટિવ દર્દીઓની અપૂરતી વિગતો જાહેર !

ભુજ, તા. 22 : કોરોનાની મહામારીની મુંબઇ કરતાં કચ્છની સ્થિતિ સલામત હોવાથી માદરે વતન તરફ વધેલા પ્રવાહથી સ્થાનિક લોકોમાં સંક્રમણનો ભય વધવાની ભીતિથી ઊઠેલી નારાજગી કે તંત્રની આપસી અંટશ જે હોય તે પણ તંત્રનું માહિતી ટૂંકી આપવાનું પગલું શંકાપ્રેરક બની રહ્યું છે.જિલ્લાતંત્ર દ્વારા કોરોના અંગે અપાતી વિગતોમાં ગઇકાલથી કાપ મૂક્યા બાદ આજે ચાર વાગ્યા સુધીની જ વિગતો અપાયા બાદ મોડેથી અપાતી વિગતો જાહેર કરાઈ ન હતી. જિલ્લા આરોગ્ય અધિકારીને કોરોનાના પ્રવક્તા જાહેર કરાયા હતા. તેમના તરફથી પણ માહિતી આપવાની ના પાડી દેવાય છે. હવે બધું ડીડીઓ કહેશે તેવું સ્પષ્ટ સુણાવી દેવાય છે. જિલ્લા વિકાસ અધિકારીને આરંભમાં નોડલ અધિકારી જાહેર કરાયા હતા પ્રવક્તા નહીં, છતાં માહિતી હવે તેમની યાદી મારફતે અપાય છે. આ યાદીમાં માત્ર પોઝિટિવની વિગત અપાય છે. ટ્રાવેલ હિસ્ટ્રીની કોલમ કાઢી નખાઇ છે. મુંબઇથી કચ્છીઓનો પ્રવાહ શરૂ થયા પછી કચ્છમાં સંક્રમિત કેસમાં ઉછાળો આવતાં સ્થાનિક લોકોમાં નારાજગી ફેલાઇ છે, એ ડામવા ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવાતી નથી ને ? એવું ચર્ચાઇ રહ્યું છે. કેટલા રિપોર્ટ આજે થયા, નેગેટિવ કેટલા, રિજેક્ટ કેટલા અને હવે પેન્ડિંગ કેટલા અને આજે કેટલા કેસના સેમ્પલ લેવાયાં તે સહિતની માહિતી આપવાનું બંધ કરાયું છે. જે કેસ પોઝિટિવ જાહેર કરાયા તે કઇ તારીખના સેમ્પલના જાહેર કરાયા તે પણ નથી બતાવાતું.આવી રીતની કાર્યવાહી સહેજે શંકાપ્રેરક છે. અધિકારીઓના આપશી અંટશની વહેતી થયેલી વાતોને પણ તંત્રનું અકળ મૌન જાણે મૂક સહમતી આપી રહ્યું હોય તેવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે. ડીડીઓની વીડિયો ક્લિપ જાહેર કરાઇ તેમાં પણ પોઝિટિવ દર્દીઓની સંખ્યા આપ્યા બાદ કહ્યું કે આ કેસોને તકલીફ નથી. પ્રોટોકોલ પ્રમાણે દવાખાનામાં શિફટ કરાઇ રહ્યા છે પણ કયા દવાખાને તે અંગે ફોડ પાડયો નહોતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer