અમ્ફાનથી પ.બંગાળમાં ભારે તબાહી 72 મોત

કોલકાતા/નવી દિલ્હી, તા. 21 : અમ્ફાન ચક્રવાતે ગઈ રાત પશ્ચિમ બંગાળમાં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હજારો મકાનોને ભારે નુકસાન થયું છે, તો કમસે કમ 72 જણ માર્યા ગયા છે. ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, મિદનાપુર અને કોલકાતા શહેરમાં 160થી 180 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તોફાને તબાહી મચાવી હતી. હજારો લોકો બેઘર બન્યા હતા, અનેક પુલો ધોવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પ.બંગાળની તુલનાએ ઓરિસ્સામાં અમ્ફાનનો આતંક ઓછો હોવા છતાં ત્યાં પણ 44.8 લાખ જણ અસરગ્રસ્ત બન્યા હતા. પ. બંગાળમાં 100 વર્ષના સૌથી ભયાનક ચક્રવાતે અનેક વિસ્તારો ધમરોળી નાખ્યા હતા.કોલકાતામાં 15, ઉત્તર 24 પરગણામાં 17, દક્ષિણ 24 પરગણામાં 18, હાવડામાં 7, નાદિયામાં 6, પૂર્વ મિદનાપુરમાં 6 અને હુગલીમાં બે જણનાં મોત થયાં હતાં. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, બંગાળમાં મોટાપાયે નુકસાન થયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યનો પ્રવાસ કરવો જોઈએ. દરમ્યાન એવા અહેવાલ મળી રહ્યા છે કે, વડાપ્રધાન આવતીકાલે પહેલા પ.બંગાળ અને પછી ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મમતાએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ઉત્તર અને દક્ષિણ પરગણા જિલ્લા તો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. હું ટૂંક સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈશ. કોલકાતામાં 130  કિલોમીટરની ગતિએ ફૂંકાયેલા પવનોથી સેંકડો કાર ફંગોળાઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને વીજળી ગુલ થઈ ગઈ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ચક્રવાતના અસરગ્રસ્તોને સહાય કરવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. આ પડકારરૂપ સમયમાં સમગ્ર દેશ પશ્ચિમ બંગાળ સાથે ઊભો છે.બંગાળમાં અમ્ફાનની મહાઆફતને પગલે એનડીઆરએફની વધુ ચાર ટીમ પહોંચી હતી. ઓરિસ્સાના મુખ્ય સચિવ એ. કે. ત્રિપાઠીએ કહ્યું હતું કે, વાવાઝોડાએ 1500 ગ્રામ પંચાયતના 44.80 લાખ જણને અસર પહોંચાડી છે. રાજ્ય સરકારે લગભગ બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.અમ્ફાનને લીધે પશ્ચિમ બંગાળમાં અનેક વિસ્તારમાં હજારો મકાનોને ભારે નુકસાન થયું છે. હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. એરપોર્ટમાં પાણી ભરાઈ ગયાં છે.દરમિયાન મમતા બેનરજીની સરકારે પણ રાજ્યને ફરીથી બેઠું કરવાં માટે 1 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યું છે. મમતા બેનરજીએ આજે કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાનને આ કટોકટીની પળે સુંદરબનની મુલાકાત માટે કહ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને ફોન કરીને તમામ પ્રકારની સહાયતાની ખાતરી આપી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer