ઘરેલુ ફ્લાઈટમાં વચ્ચેની સીટ નહીં રહે ખાલી

આનંદ કે. વ્યાસ તરફથી-  નવી દિલ્હી, તા. 21 : આગામી સોમવાર એટલે કે 25 મેથી ઘરેલુ ઉડાનોને અંદાજીત બે મહિના બાદ શરૂ કરવામાં આવશે. જો કે સ્થિતિ પહેલા જેવી રહેશે નહીં. ઘરેલુ ઉડાન માટે જરૂરી દિશાનિર્દેશ પહેલાથી જ જારી કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ ઉપર ફિઝિકલ ચેક-ઈન થશે નહીં. આરોગ્ય સેતુ એપ જરૂરી છે અને સાથે 33.33 એટલે કે ત્રીજા ભાગની ક્ષમતા સાથે સંચાલન ધીરે ધીરે શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે, ઘરેલુ ઉડાન માટે ત્રણ મહિના નવા દર રહેશે. જેમાં લઘુત્તમ 3500 રૂપિયા અને મહત્તમ 10,000 રૂપિયા ભાડું રહેશે. આ દરમિયા પ્લેનમાં વચ્ચેની બેઠક ખાલી રહેશે નહીં તેમ પણ કહેવામાં આવ્યું હતું. એવિએશન મંત્રી હરદીપ પુરીના કહેવા પ્રમાણે સર્વ સહમતિથી 25મેથી કેલિબરેટેડ રીતે ફ્લાઈટનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે.ગરમીના 2020ના શેડયુઅલના હિસાબે એક તૃતિયાંશ ક્ષમતાથી સંચાલન કરવામાં આવશે. જ્યારે સાપ્તાહિક ડિપાર્ચર 100 સુધી સીમિત રહેશે. ભાડાને લઈને હરદીપ પુરીએ કહ્યું હતું કે, રૂટ્સને સાત ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેના આધારે જ ભાડુ લેવામાં આવશે. દિલ્હીથી મુંબઈનું ભાડુ મિનિમમ 3500 અને મેક્સિમમ 10,000 હશે. જે 90 મિનિટથી 120 મિનિટની શ્રેણીમાં આવે છે. રૂટ્સને સાત શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં 40 મિનિટથી ઓછો સમય, 40-60 મિનિટનો સમય, 90 થી 120 મિનિટનો સમય, 2 થી 2.50 કલાકનો સમય, 2.50 થી 3 કલાકનો સમય અને 3 થી 3.5 કલાકનો સમય લેતા રૂટ્સનો સમાવેશ થાય છે.  હરદીપ પુરીએ કહ્યું હતું કે, પહેલા એરલાઈન કંપની પોતાના લઘુત્તમ અને મહત્તમ ભાડાને વેબસાઈટ ઉપર જારી કરતી હતી.જો કે હવે રેલ ભાડાને ધ્યાને લઈને કિંમત નક્કી કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. હરદીપ પુરીએ મિડલ સીટ ખાલી રાખવાના સવાલ ઉપર કહ્યું હતું કે, ઉડાન દરમિયાન વચ્ચેની બેઠક ખાલી રહેશે નહી. ઉડાન બાદ ફ્લાઈટને ડિસઈન્ફેક્ટ કરવામાં આવે છે. યાત્રીઓ અને ક્રૂ માટે દરેક સાવચેતી રાખવામાં આવે છે. વચ્ચેની સીટ ખાલી રાખવામાં આવશે તો તેનો ભાર મુસાફર ઉપર પડશે. આ દરમિયાન યાત્રીઓએ સુરક્ષા માટે માસ્ક વગેરે રાખવા  કહેવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ખાદ્ય પદાર્થ આપવામાં આવશે નહીં. પાણી આપવામાં આવશે. ચેક ઈન દરમિયાન માત્ર એક બેગની છૂટ રહેશે અને મુસાફરોએ બે કલાક અગાઉ એરપોર્ટે પહોંચવાનું રહેશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer