અમદાવાદમાં લાંબા સમય પછી 250થી ઓછા નવા કેસ

અમદાવાદ, તા. 21 (પ્રતિનિધિ દ્વારા) : આજે લોકડાઉનના 59મા દિવસે ગુજરાતમાં કોરોનાના 371 કેશ નોંધાવા પામ્યા છે. જેને લઈને રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીની કુલ સંખ્યા 12,910 થવા પામી છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાના લીધે આજે 24 દર્દીના મૃત્યુ થવા પામ્યા હતા. જેને લઈને રાજ્યમાં મૃત્યુનો કુલ્લ આંક 773 થવા પામ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોવિડ-19ના 269 દર્દીઓ કોવિડને મહાત આપી છે. જેને લઈને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ડિસ્ચાર્જનો આંકડો 5488 થવા પામ્યો છે. આશ્ચર્ય વચ્ચે આજે પ્રથમવાર અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંક 250થી નીચે આવ્યો છે. આજે અમદાવાદમાં 233 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાવા પામ્યા છે.રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિ દ્વારા જાહેર કરાયેલા બુલેટીન મુજબ આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના પોઝિટીવ દર્દી 371 નોંધાવા પામ્યા છે. જેમાં અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણા 13, બનાસકાંઠા 11, મહિસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથ 6, ગાંધીનગર 5, કચ્છ 4, જામનગર, સાબરકાંઠા, દાહોદ, નવસારી, સુરેન્દ્રનગર સહિત અન્ય રાજ્યના ત્રણ-ત્રણ, નર્મદા-જુનાગઢમાં બે-બે, જ્યારે પંચમહાલ, ખેડા અને પાટણમાં એક-એક કેસ નોંધાવા પામ્યા છે. હાલ રાજ્યમાં બોટાદ જિલ્લા સિવાય તમામ 32 જિલ્લામાં કોરોના વાયરસના કેસ નોંધાવા પામ્યા છે. આજે પણ  20 જિલ્લામાં કોરોના પોઝિટીવના કેસ નોંધાયા છે.તેમના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં કોરોનાને લઈને 24 દર્દીના મૃત્યુ થયા છે. જેમાંથી 6 કોવિડ-19ને લઈને જ્યારે 18 મૃત્યુ કોવિડ-19 અને અન્ય બીમારીને લઈને થયા છે. આજે નોંધાયેલા 24 મૃત્યુમાં છેલ્લા અઠવાડિયામાં પ્રથમવાર અમદાવાદમાં 20થી નીચે અર્થાત 17 મૃત્યુ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 3, સુરત, આણંદ, ખેડા અને મહેસાણામાં એક-એક મૃત્યુ નોંધાવા પામ્યા છે. બુલેટીનમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલ 12910 કોવિડ-19ના પોઝિટીવ દર્દી છે. જેમાંથી 52 દર્દી વેન્ટિલેટર ઉપર, 6597 સ્ટેબલ જ્યારે ડિસ્ચાર્જ 5488 અને 773 લોકોના મૃત્યુ થયા છે. આજ સુધીમાં કુલ 1,66,152 લોકોના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 13910 પોઝિટીવ અને 1,53,242 નેગેટિવ ટેસ્ટ મળ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer