અઢી કલાકમાં 4 લાખ ટ્રેન ટિકિટ બુક !

નવી દિલ્હી, તા. 21 : ભારતીય રેલવેએ યાત્રીઓની સુવિધા માટે પહેલી જૂનથી 200 ટ્રેન દોડાવવાની ઘોષણા કરી છે. આ ટ્રેનો માટે ગુરુવારની સવારે 10 વાગ્યાથી બુકિંગ શરૂ થયું હતું. માત્ર અઢી કલાકમાં ચાર લાખ ટિકિટ બુક થઈ ગઈ હતી.વેબસાઈટ પર પહેલાં તો એક જ કલાકમાં દોઢ લાખ જેટલી ટિકિટ બુક થઈ ગઈ હતી. પહેલી જૂનથી દોડનારી 200માંથી 73 ટ્રેનો માટે 1,49,025 ટિકિટ એક કલાકમાં જ બુક થઈ હતી. આ કેટેગરી હેઠળ કુલ 2,90,510 ટિકિટનું બુકિંગ કરાયું હતું, તેવું રેલવે તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, માત્ર અઢી કલાકમાં સેકન્ડ ક્લાસ પેસેન્જર ટ્રેન્સ માટે ચાર લાખથી વધુ ટિકિટ બુક થઈ ગઈ હતી.આટલા ટૂંકા સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં ટિકિટ બુકિંગ ધ્યાને લેતાં જણાય છે કે,  ઘણા લોકો પોતાના ઘરે જવા માગે છે, તો ઘણા લોકો કામ પર પણ પાછા ચડવા માંગે છે. આવનારા દિવસોમાં રેલવે તંત્ર ટ્રેનોની સંખ્યામાં વધારો કરશે તેવું રેલવે પ્રધાને ઉમેર્યું હતું.એક મહત્ત્વની માહિતી આપતાં ગોયલે કહ્યું હતું કે, રેલવેની વેબસાઈટ અને એપ ઉપરાંત દેશમાં 1.7 લાખ કોમન સર્વિસ સેન્ટર્સ પરથી પણ ટિકિટ બુકિંગ કરાવી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer