કેસોમાં ઉછાળો ને રિકવરી રેટમાં પણ વધારો

નવી દિલ્હી, તા. 21 : ભારતમાં એક તરફ કોરોનાના કેસોમાં તીવ્ર ઉછાળાનો ચિંતાજનક દોર જારી છે તો બીજી તરફ રિકવરી રેટમાં વધારાની પણ થોડી રાહત મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 5609 કેસ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 113400 થઇ છે જ્યારે વધુ 140 મોત સાથે મરણાંક 3435 થઇ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી મુજબ કુલ 45299 જણ સાજા થઇ ચૂક્યા છે અને રિકવરી રેટ 40.32 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 2250 કેસ દર્જ થયા હતા અને રાજ્યમાં સંક્રમિતોનો આંક 39297 થઇ ગયો છે. જ્યારે મૃત્યુઆંક 1325 થયો છે.મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત તામિલનાડુમાં પણ કોરોનાની ભીંસ યથાવત છે. અહીં નવા 567 કેસ નોંધાયા હતા તેમજ 7 જણનાં મોત થયા હતા.  બિહારામાં કોરોનાના નવા 119 કેસ સાથે અસરગ્રસ્તોનો આંક 1872 થયો છે. દિલ્હીમાં 571 કેસ નોંધાયા છે. ભારતનાં છેલ્લા 7 દિવસમાં 19 હજારથી વધુ લોકોએ કોરોનાને મહાત આપી છે. તો 24 કલાકમાં 10332 જણનું ટેસ્ટિંગ કરાયું હતું. ટેસ્ટિંગમાં હવે વધારો થઇ રહ્યો છે. રાજ્સ્થાનમાં આજે 131 નવા કેસ નોંધાયા છે. અને રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા  6143 થઇ છે. જ્યારે કર્ણાટકમાં નવા 116 કેસ નોંધાયા છે.  ઉત્તરાખંડમાં નવા 10 કેસ દર્જ થયા હતા. મધ્યપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 5735 થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં  છેલ્લા 24 કલાકમાં વધુ 294 કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 95 કેસ બારાબંકીમાં છે.  જોકે, કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વાયુવેગે ફેલાઈ રહ્યું છે તેવું કહેવું યોગ્ય નથી. ચાર રાજ્યો એવા છે કે જ્યાંથી સમગ્ર દેશના કુલ કોરોના વાયરસના કેસના લગભગ 68 ટકા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર એકલામાંથી જ દેશભરના કુલ કોરોના કેસના લગભગ 35 ટકા કેસ નોંધાયા છે.  મહારાષ્ટ્ર બાદ તામિલનાડુમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તામિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ 13191 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 87 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ ગુજરાતમાં 12537 લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી 749 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 11088, રાજસ્થાનમાં 6015, મધ્યપ્રદેશમાં 5735 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 5175 કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 49.96 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer