એક યુવતી સહિત વધુ ચાર પોઝિટિવ ભચાઉ તાલુકાના

ભુજ, તા. 21 : કચ્છમાં કોરોનાના રિપોર્ટના આજે સત્તાવાર અપાયેલા સમાચારમાં ચાર પોઝિટિવ કેસ ભચાઉ તાલુકાના હોવાનું જાહેર કરાયું છે. ગઇકાલના 59 સહિત આજ સુધીનો આંકડો 62 થયો છે. આ ચારમાં બે આધોઇના પુરુષ છે, જેમાં એકની ઉંમર 34 અને બીજાની 44 વર્ષ છે. ચોપડવાના 46 વર્ષના પુરુષ અને આધોઇની 15 વર્ષની છોકરીનો સમાવેશ થાય છે. દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા વીડિયો કિલપના આજના ચારેય પ્રોઝિટિવ દર્દીઓને દવાખાનામાં દાખલ કરાયાનું જણાવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી કોરોનાના સતત પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યા છે. રાજ્યમાં કેસ ઓછા દર્શાવવા સેમ્પલ ઓછા લેવાઇ રહ્યાના મીડિયાએ અહેવાલો વહેતા કર્યા ત્યારે કચ્છમાં સેમ્પલ લેવાની કામગીરી ત્રણથી ચાર ગણી થવાથી પોઝિટિવ આક પણ એટલો  જ ઉછળ્યો અને ચોંકી ઊઠેલા આરોગ્યતંત્રએ ગઇકાલે સેમ્પલ લેવાની કામગીરી પાછી અંકુશિત કરી નાખી, પણ આજની કામગીરી અંગે તો કોઇ  માહિતી જ જાહેર કરાઇ નથી જે તંત્રની હથિયાર હેઠા મૂકવા જેવી સ્થિતિ દર્શાવે છે. રાજ્યના કોરોનાના લાયઝન અધિકારી ડો. રોહિત ડોડિયાની આજની ભચાઉની મુલાકાત અને જિલ્લા આખાની પરિસ્થિતિની ત્યાં જ સમીક્ષા કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ભચાઉ તાલુકાના જ છે. આજના તમામ પોઝિટિવ પણ ભચાઉ તાલુકાના છે અને મુંબઇ સહિતના વિસ્તારોમાંથી માદરે વતન આવનારાની પણ મહત્તમ સંખ્યા આ વિસ્તારમાં છે, ત્યારે રાજ્ય કક્ષાના અધિકારીની ભચાઉની મુલાકાત સૂચક મનાઇ રહી છે. આજે ડીડીઓ તરફથી વિગતો મોડી અપાઇ તેમાં પણ રાજ્યના અધિકારીની હાજરી કારણભૂત હોઇ શકે છે. દરમ્યાન બિનસત્તાવાર સૂત્રોનું માનીએ તો જી.કે. જનરલ હોસ્પિટલની લેબમાંથી માહિતી લીક થતી હોવાનાં પગલે જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજી કડક રૂખ અપનાવાયો હતો. કદાચ તેને પગલે જ આજે ડીડીઓ દ્વારા યાદી બહાર પાડવા અગાઉ  મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડો. બૂચ સાથે બેઠક યોજાઇ હતી. 

  નવી 4014 વ્યક્તિનું ક્રીનિંગ કરાયું   ભુજ, તા. 21 : વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવિડ-19ના પગલે કચ્છમાં જિલ્લાતંત્ર દ્વારા ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 4014 વ્યકિતનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 209246 લોકોનું ક્રીનિંગ કરાયું છે,  જેમાંથી અત્યાર સુધીમાં કુલ 1910  શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયાં હતાં. અત્યાર સુધીમાં કુલ 1724 વ્યકિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 59 એક્ટિવ પોઝિટિવ કેસ છે. આજે ચારનો તેમાં ઉમેરો થયો છે. 80 શંકાસ્પદ કેસોના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધીમાં કુલ 49 સેમ્પલ રિજેકટ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વહીવટીતંત્રની યાદીમા જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer