ગાંધીધામમાં નોકરીની લાલચ આપી કિશોરી ઉપર ગુજારાયો બળાત્કાર

ગાંધીધામ, તા. 21 : શહેરની જનતા કોલોની નજીક સોનલનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી 14 વર્ષીય કિશોરીને કામ અપાવવાની લાલચ આપી એક શખ્સે તેના ઉપર બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના સોનલનગર ઝૂંપડા વિસ્તારમાં રહેનારી એક મહિલાના સંપર્કમાં પ્રવીણકુમારહેમા તુરી બારોટ નામનો શખ્સ આવ્યો હતો. આ મહિલાની એક દીકરી હોસ્પિટલમાં કામ કરે છે. તે હોસ્પિટલની આસપાસ આ શખ્સ ચાની લારી ચલાવે છે. આ ફરિયાદી મહિલાની અન્ય 14 વર્ષીય બાળકીને કામ ઉપર લગાવી આપવાની આ શખ્સે લાલચ આપી હતી. પહેલા દિવસે તે કિશોરીને બે-ત્રણ જગ્યાએ કામ માટે લઇ ગયો હતો. જ્યાં કામ ન મળતાં બીજા દિવસે આ શખ્સ ભોગ બનનારના ઘરે જઇ?હજુ એક જગ્યાએ નોકરી હોવાનું કહ્યું હતું. આ 14 વર્ષીય કિશોરી અને તેની મોટી બહેન એક્ટિવાથી એફસીઆઇ કોલોની સુધી આવ્યા હતા, ત્યાં મોટી બહેનને કામે જવાનું મોડું થતાં તે કામે ગઇ હતી. બાદમાં  આ આરોપી પ્રવીણ ત્યાં આવ્યો હતો. તેણે કિશોરી પાસેથી એક્ટિવાની ચાવી ઝૂંટવી તેને પાછળ બેસાડી દીધી હતી અને બાદમાં ઇફકો કોલોની નજીક ભટ્ટનગર પાસેની બાવળની ઝાડીમાં લઇ ગયો હતો. કિશોરીએ પ્રતિકાર કરતાં આ શખ્સે તેને માર પણ માર્યો હતો.  ઝાડીમાં  તેણે આ  કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર આ કિશોરીએ પોતાની માતાને આપવીતી કહી હતી. આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે યશોદાધામમાં  બાળકી ઉપર પાશવી બળાત્કાર બાદ આજે આ બનાવ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer