ઓડ-ઇવનના નિયમમાં ભુજ, ગાંધીધામના દુકાનધારકો મૂંઝાયા

ભુજ, તા. 21 : જાહેરનામાને પગલે ભુજ અને ગાંધીધામમાં સુધરાઇ દ્વારા ઓડ અને ઇવન મુજબ નંબર લગાવવાની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે, પરંતુ આજે નજીક-નજીક આવેલી અનેક દુકાનો ખુલ્લી રહી હતી, જેને પોલીસ દ્વારા બંધ કરાવાઇ હતી. તો અમુક વેપારીઓ દુકાન ખોલવી કે કેમ તેની અવઢવમાં મુકાયા હતા. સરકારના નિયમ મુજબ લોકોની ભીડ ન જામે તે ઉદ્દેશથી નજીક-નજીક આવેલી દુકાનો ઓડ-ઇવન મુજબ ખુલ્લી રાખવાનું ફરમાન કરાતાં ભુજ સુધરાઇ દ્વારા શહેરની દુકાનો પર એક અને બે નંબર લગાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે અંતર્ગત 3800 જેટલી દુકાનો પર નંબરના સ્ટિકર મરાયા હતા. એક નંબર લાગેલી દુકાન એકી તારીખે ખોલવાની, જ્યારે બે નંબરનું સ્ટિકર લાગેલી દુકાન બેકી તારીખે ખોલવા જણાવાયું હતું. હોસ્પિટલ રોડ પર આજે એકી અને બેકી બંને દુકાનો દિનભર ખૂલી રહી હતી, તો ગામમાં પણ એક-બેના ક્રમ વગર દુકાનો ખૂલેલી દેખાઇ હતી. બાકી રહેતા વિસ્તારો જેમ કે, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, પ્રમુખસ્વામીનગર રિલો., નવી રાવલવાડી રિલો., રઘુવંશી ચાર રસ્તા વિસ્તાર, મિરજાપર હાઇવે તથા ઉપલીપાળ રોડ પર આવેલી દુકાનો પર આવતીકાલે કોમર્શિયલ સેન્ટરને પણ આવરી લઇ સ્ટિકર લગાવાશે તેવું શોપ ઇન્સ્પેકટર હિતેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું હતું.  જો કે, આજે અનેક ધંધાર્થીઓમાં અસમંજસતા પ્રવર્તતી હોવાથી દુકાનો ખુલ્લી રખાઇ હતી, પરંતુ બપોરે પોલીસે દુકાનો બંધ કરાવી નિયમોનું પાલન કરવા તાકીદ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  ગાંધીધામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પાલિકા દ્વારા તમામ દુકાનોમાં નંબરિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેનું અમલીકરણ કોણ અને કેવી રીતે કરાવશે તે હજુ પ્રશ્ન છે. બીજી બાજુ આજે પણ તમામ પ્રકારની દુકાનો ખુલ્લી જ રહી હતી.જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ સંકુલમાં આવેલા લગભગ તમામ દુકાનો ઉપર નંબર એક અને બેના સ્ટીકર ચોંટાડવામાં આવ્યાં છે. આ નંબરો થકી ઓડ ઈવન પદ્ધતિથી દુકાનો ચાલુ રાખવાની છે, ત્યારે નંબર-1વાળી દુકાનો કયા દિવસે ખુલ્લી રાખવી અને નંબર-2વાળી દુકાનો કયા દિવસે ખુલ્લી રાખવી તેની મૂંઝવણમાં વેપારીઓ મુકાયા છે. આવી મૂંઝવણ વચ્ચે આજે તમામ પ્રકારની દુકાનો ખુલ્લી જ રહી હતી. બીજી બાજુ સામાજિક અંતરના નામે વેપારીઓને પોલીસ કનડગત કરતી હોવાની ફરિયાદો પણ ઊઠી હતી.શહેરની મુખ્ય બજારમાં આજે સવારે પાન, માવા, બીડીની જથ્થાબંધની દુકાન ઉપર લોકો સામાજિક અંતર જાળવીને ઊભા હતા. તેવામાં અમુક પોલીસકર્મીઓ આવ્યા હતા અને આ દુકાનમાંથી ત્રણેક પાર્સલ ઉપાડી લઈ વેપારીને પૈસા આપી દીધા બાદ આ દુકાન બંધ કરાવી દેવામાં આવી હતી. જેના કારણે કલાકોથી અહીં પોતાના વારાની રાહ જોતા લોકોમાં છૂપો આક્રોશ જોવા મળ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer