આદિપુરમાં કન્ટેઇન્મેન્ટ ઝોનના જાહેરનામામાં દર્દી વાળા મકાનનો જ ઉલ્લેખ રહી ગયો

ગાંધીધામ, તા. 21 : આદિપુરના વોર્ડ 2.બીમાં કેન્સર ગ્રસ્ત મહિલાનો કોરોના પોઝીટીવ કેસ આવતાં સારવાર તળે ભુજ ખાતે છે. પરંતુ આ વિસ્તારના કન્ટેઈન્મેન્ટ ઝોન અંગેના જાહેરનામામાં દર્દી રહે છે તે મકાન સહિત વોર્ડ ર.બીની આખી પ્રથમ હરોળના પ્લોટ નંબરનો ઉલ્લેખ ન હોવાનું બહાર આવ્યું છે. આ ભૂલના કારણે પાછળના મકાનના રહેવાસીઓમાં ગેરસમજ ઉભી થતાં તેઓએ નારાજગી વ્યકત કરી હતી. કોરોના  પોઝીટીવ કેસ આવ્યો તે મહિલાના રહેણાંક મકાનનો પ્લોટ નંબર 236 છે. અને એસ.આર.સી બંગલો નંબર 9 છે. વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા કન્ટેઈન્મેન્ટ ઝોનના જાહેરનામાં વોર્ડ 2.બીના 219થી 232 નંબરના પ્લોટ અને મુખ્ય રોડ ઉપર આવેલા  વોર્ડ 4.એના 1 થી 10 નંબરના મકાનનો ઉલ્લેખ કરાયો છે. વોર્ડ 2.બીની ત્રણ લાઈનો  કન્ટેઈન્મેન્ટ કરાઈ છે. જેમાં 219થી 232 નંબરના મકાનો પાછળની હરોળમાં છે. જયારે પ્લોટ નંબર 233 થી 238 મુખ્ય રોડમાં પહેલી હરોળમાં છે.   જાહેરનામામાં પ્રથમ હરોળના પ્લોટ નંબર 233 થી 238 નંબરનો ઉલ્લેખ જ કરાયો નથી. જયા કેસ આવ્યો છે તે લાઈનના મકાન નબંરનો ઉલ્લેખ જ ન હોતાં પાછળની લાઈનના રહેવાસીઓ રોષે ભરાયા હતા અને આગળની લાઈનના રહેવાસીઓને મુક્તિ અપાઈ અને અમને કેમ બંધનમાં તેવો સવાલ કર્યો હતો.  બાદમાં સ્થાનિક આગેવાનોએ ખામીના કારણે આવું થયું હોવાનું અને 238 નંબર સુધીના તમામ મકાનો પણ કન્ટેન્મેન્ટ હોવાનું જ જણાવી લોકોનો રોષ ઠંડો પાડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે   અગાઉ કોરોનાના દર્દીઓના નામની યાદીમાં પણ છબરડા  બહાર આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer