વન-ડેમાં વિરાટથી સચિન વધુ ચડિયાતો બેટધર : ગંભીર

નવી દિલ્હી, તા. 21 : ભારતના પૂર્વ પ્રારંભિક બેટધર ગૌતમ ગંભીરે નિયમોના બદલાવને ધ્યાને રાખીને વન-ડે ક્રિકેટમાં વર્તમાન સુકાની વિરાટ કોહલી કરતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને વધુ ચડિયાતો બેટધર ગણાવ્યો છે. તેંડુલકરે 463 વન-ડેમાં 49 સદીથી 18,426 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ 248 વન-ડેમાં 43 સદીથી 11,867 રન કર્યા છે. ગંભીર કહે છે કે સચિન જ્યારે રમતો ત્યારે સર્કલની અંદર ચાર ખેલાડી રહેતા હતા. હવે પાંચ રહે છે. આજકાલ વન-ડે ક્રિકેટમાં બે નવા સફેદ દડાનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્રણ પાવરપ્લે હોય છે. પહેલાં આવું ન હતું. આથી હું સચિનને વન-ડેના શ્રેષ્ઠ બેટધર તરીકે પસંદ કરું છું. ગંભીર કહે છે કે નિયમોના ફેરફારને લીધે બેટ્સમેનોને વધુ ફાયદો થયો છે. નવી પેઢીના ક્રિકેટરોને બે નવા દડાનો સામનો કરવાનો હોય છે. તેમને રિવર્સ સ્વિંગનો સામનો આથી કરવો પડતો નથી. બોલ સ્પિન પણ થતાં નથી. પાંચ ફિલ્ડર સર્કલની અંદર હોય છે. આથી બેટધરો માટે ઘણું આસાન બની જાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer