લોકડાઉનથી ખડીર પંથક બે માસથી બન્યો તદ્દન વિખૂટો

ભચાઉ, તા. 21 : તાલુકાના છેવાડાના અને વ્યૂહાત્મક એવા સરહદી ખડીર મહાલને જોડતી એસ.ટી. સેવા હજુ બંધ હોવાથી 20 હજારની જનવસતી આજે પણ બેહાલીમાં દિવસો વ્યતીત કરે છે. અત્યારે રાપરથી 100 કિ.મી. દૂરના ખડીર પંથકના ગામોના લોકોને છેલ્લા બે માસથી લીલા શાકભાજી તો જોવા જ મળ્યા નથી. દાળ, કઢી, કઠોળ, શાક કે સૂકી ચટ્ટણી અને રોટલા ખાઇને લોકો દિવસો કાઢી રહ્યા હોવાના હેવાલ છે. લોકોના કહેવા અનુસાર હવે જ્યારે વાહન સેવા શરૂ થઇ છે ત્યારે ભચાઉથી બે બસ ધોળાવીરાની શરૂ થાય તો લોકો તાલુકા મથકે દવા અને જીવનજરૂરી વસ્તુ મેળવી શકે. બીમાર લોકો ફળફળાદિથી પણ વંચિત છે, છતાંયે સારવાર માટે રાપર જવું પડે તેમ હોય તો ખાનગી વાહન 100 કિ.મી.માં 3 હજાર રૂા. ભાડું લે છે તે મધ્યમ કે ગરીબ વર્ગને પરવડે તેમ નથી. જો ધોળાવીરા-ભચાઉ અને ધોળાવીરા-અંજાર બસ શરૂ થાય તો જીવનજરૂરી વસ્તુ સાથે તાલુકા મથકના સરકારી બેંકના કામો પણ થઇ શકે તેવું આગેવાનો કહે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer