લાયઝન અધિકારીએ કોરોનાની વર્તમાન સ્થિતિનો જાતચિતાર મેળવ્યો

ભુજ, તા. 21 : કોવિડ-19 માટે કચ્છ જિલ્લાના લાયઝન અધિકારી તરીકે નિમાયેલા રોહિત ડોડિયાએ આજે જિલ્લામાં કોરોના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત એવા ભચાઉ વિસ્તારની મુલાકાત લેવા સાથે સમગ્ર જિલ્લાની સ્થિતિનો ચિતાર મેળવી સમીક્ષા કરી હતી. સવારે ભચાઉ પહોંચી આવેલા શ્રી ડોડિયાએ છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમ્યાન જ્યાં નોંધપાત્ર પ્રમાણમાં પોઝિટિવ કેસ દેખાયા બાદ જે વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયા છે તેની શ્રી ડોડિયાએ જાતમુલાકાત  લઈને સેમ્પલ ટેસ્ટિંગ સહિતની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કહ્યું કે, લાયઝન અધિકારી તરીકે નિમાયેલા શ્રી ડોડિયાએ સમગ્ર કચ્છ જિલ્લાની કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી જિલ્લાના આરોગ્ય તંત્રને આવશ્યક સૂચના આપવા સાથેસાથે તાકીદ પણ કરી હતી.ભચાઉ વિસ્તારના કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લીધા બાદ લાયઝન અધિકારીએ વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કચ્છ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. શ્રી ડોડિયાની આ મુલાકાત સમયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર તેમજ ભચાઉના સ્થાનિક આરોગ્ય વિભાગના સ્ટાફે જોડાઈ પૂરક માહિતી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer