ભુજમાં ફલાઇંગ સ્કવોડ પર હુમલો-રૂકાવટ

ભુજ, તા. 21 : શહેરમાં ચોરીનું ખનિજ ભરીને નીકળેલા ઓવરલોડ વાહનને પકડવા દરમ્યાન આ વાહન ભગાડી જવા સાથે ખાણખનિજ ખાતાની ફલાઇંગ સ્કવોડ ઉપર હુમલા સાથે ફરજમાં રૂકાવટ કરવાના પરિમાણો સામે આવ્યા હતા. આ બાબતે જવાબદારો સામે વિધિવત ફોજદારી ફરિયાદ વિવિધ કલમો તળે લખાવાઇ છે. ભુજ સ્થિત ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની કચેરીની ફલાઇંગ સ્કવોડના મદદનીશ નિયામક પ્રણવ સિંગએ આ સબંધે કોટાયા (ભુજ)ના પચાણ વેલજી આહીર, પ્રવીણ જેશાભાઇ આહીર અને મનીષ જેશાભાઇ આહીર સામે ખાણખનિજ ખાતા અને ખનિજની ચોરીને સંલગ્ન વિવિધ કલમો તળે ફોજદારી દાખલ કરાવી હતી. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગઇકાલે ફલાઇંગ સ્કવોડના પ્રણવ સિંગ તથા કચેરીના રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી. મહેશ્વરી સહિતના સ્ટાફ સાથે ભુજમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ વિસ્તારમાં એન્કરવાલા ચકરાવા નજીક તપાસણીના કાર્યમાં પ્રવૃત્ત બન્યા હતા. આ દરમ્યાન સાંજે પોણા પાંચેક વાગ્યાના સુમારે જી.જે.12-બી.એકસ.-8837 નંબરનું ડમ્પર નીકળ્યું હતું. આ ભારવાહક વાહનને અટકાવી તેના ચાલક પચાણ આહીરે એવી વિગતો આપી હતી કે દેશલપર (મુંદરા)ના નરેન્દ્રાસિંહ પોપટભા જાડેજાની લીઝમાંથી 16 ટન ખનિજ ભરેલું છે. પણ આ વાહન ઓવરલોડ હોવાનું લાગતાં તેનું વજન કરાવવા માટે વાહન કાંટે લઇ જવા જણાવાયું હતું. દરમ્યાન આ સમયે જી.જે.12-ડી.એસ.-8437 નંબરની ક્રેટા કારમાં આવેલા આરોપી પ્રવીણ આહીર અને જી.જે.12-ડી.જી. 8437 નંબરની મારુતિ સ્વિફટ કારમાં આવેલા તહોમતદાર મનીષ આહીરે આવીને ફલાઇંગ સ્કવોડના વાહનને બાપા સીતારામ મઢુલી પાસે અવરોધવા માટેની કોશિષ કરી હતી. તો આ બન્ને કારમાં આવેલા શખ્સોએ સ્કવોડના સ્ટાફ ઉપર હુમલો પણ કર્યો હતો. તો આ ધમાલ દરમ્યાન આરોપી મનીષે રેતી ભરેલું ડમ્પર ભગાડી જઇને તેને માધાપર હાઇવે ઉપર નળવાળા ચકરાવા પાસે ખાલી કરી નાખ્યું હતું. સમગ્ર બનાવની પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી પણ સ્થાનિકે દોડી આવી હતી. આ પછી જમીન ઉપર ખાલી કરી નખાયેલી રેતી પુન: વાહનમાં ભરીને વજન કરાવાતા તેનું વજન 31.250 ટન હોવાનું નીકળ્યું હતું. આ પછી આ વાહનો કબજે લેવાયાં હતાં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer