શેખરાનપીર ચરસ કેસની તપાસ પોલીસની ગુનાશોધક શાખાને સોંપાઇ

ભુજ, તા. 21 : પશ્ચિમ સાગર સરહદે આંતરરાષ્ટ્રીય જળસીમાથી નજીકમાં અટપટા ક્રિક વિસ્તારમાં આવેલા શેખરાનપીર ટાપુ ખાતેથી ગઇકાલે ઝડપાયેલા રૂા. 24 લાખની કિંમતના ચરસના 16 પેકેટના પ્રકરણની તપાસ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાને સોંપાઇ છે. તપાસનીશોએ ચરસ (હસીસ)નો જથ્થો દરિયામાં તણાઇને આવ્યો કે તેને લવાયો તેના સહિતની બાબતો ઉપર ઘ્યાન કેન્દ્રિત કરીને છાનબીનને આગળ ધપાવી છે. શેખરાનપીર કાંઠે ચરસના પેકેટ હોવાની બાતમીના પગલે પોલીસે ત્યાં ધસી જઇને 16 પેકેટ કબજે લીધા હતા. આ પછી ફોરેન્સિક લેબોરેટરીના તજજ્ઞોને બોલાવી આ જથ્થો કેફીદ્રવ્ય ચરસ હોવાની પુષ્ટિ કરી હતી. તજજ્ઞોની હાજરીમાં જથ્થાને સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.  દરમ્યાન આ મામલામાં જખૌ મરીન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર એ.એન.પ્રજાપતિએ અજ્ઞાત આરોપીઓ સામે નોર્કોટીકસ ધારા તળે ગુનો દાખલ કરાવ્યો હતો. આ પછી જિલ્લા સ્તરેથી કરાયેલા હુકમ મુજબ કેસની તપાસ સ્થાનિક ગુનાશોધક શાખાના ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલિયાને સોંપવામાં આવી છે.  તપાસનીશ ટુકડી સંલગ્ન સૂત્રોએ આપેલી માહિતી મુજબ હાલના તબકકે શેખરાનપીર ટાપુના મોટા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને છાનબીન કરાઇ છે. ચરસના પેકેટ ખરેખર દરિયામાં તણાઇ આવ્યા કે તેને લવાયા તેના સહિતની સંભાવનાઓ ઉપર પણ ગંભીરતાથી ધ્યાને લઇ તે દિશામાં તપાસ કરાઇ રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer