અંતે ગજોડ કેમિકલ કંપનીએ કરારવાળા મજદૂરોને લોકડાઉનવાળો પગાર ચૂકવ્યો

કેરા (તા. ભુજ), તા. 21 : અગાઉ એક્સેલ ક્રોપ કેર નામે ઓળખાતી સુમિટોમો કેમિકલ કંપનીના ત્રિમાસિક કરારાધારિત 185 જેટલા મજદૂરોને લોકડાઉન દિવસોનો પગાર ચૂકવાતાં વિવાદ ઉકેલાયો હતો. અલબત્ત મજૂરો હજુ કાયમી કરવામાં વહાલાદવલા મામલે રજૂઆત કરી રહ્યા છે.વડાપ્રધાને કામદારોને પગાર ચૂકવી દેવા કરેલી અપીલ પછી સુપ્રીમ કોર્ટે પગાર ચૂકવવો ફરજિયાત ન હોવાનો ચુકાદો આપતાં કંપનીઓ મજબૂત બની હતી. કચ્છમાં કૃષિ કેમિકલ બનાવતી ગજોડ કંપનીમાં 185 જેટલા મજદૂરોને પગાર ચૂકવાયો ન હતો. આ શ્રમિકો ત્રિમાસિક કરારવાળા હતા અને લેબર કોન્ટ્રાક્ટરના માણસો હતા. દરમ્યાન ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ દરમ્યાનગીરી કરી હોવાનું કોન્ટ્રાક્ટર બળુભા પ્રેમસંગજી જાડેજાએ કચ્છમિત્રને જણાવ્યું હતું.કંપનીના મેનેજર વિરેન શાહ અને એરિયા મેનેજર નિખિલ જોશીએ કહ્યું, અમે પહેલેથી જ મજદૂરોના પક્ષમાં હતા અને મુંબઈ હેડ ઓફિસને દરખાસ્ત મોકલી હતી. પગાર ચૂકવાતાં વિવાદનો અંત આવ્યો હતો, પરંતુ મજૂરો કાયમી કરવામાં શ્રેયાન ક્રમ ન જળવાતો અને સગાવાદ ચાલતો હોવાના આક્ષેપ કરી લડત ચલાવી રહ્યા છે.તે મુદ્દે કંપનીએ કહ્યું કે, મજદૂરોનાં વર્તન, કામની ગુણવત્તા પણ જોવી પડે છે. અન્ય લેબર કોન્ટ્રાક્ટર પ્રદ્યુમનસિંહ જાડેજા, કનુભા જાડેજા, હર્ષદગિરિ ગોસ્વામીએ સાકારાત્મક પ્રયાસ કર્યા હતા. ઠેકેદારોનું કહેવું છે કે હવે શ્રમિકોએ કામ ઉપર નિયમિત આવી બાકીની રજૂઆતો ચાલુ રાખવી જોઈએ. જ્યારે એરિયા મેનેજર નિખિલભાઈ જોશીએ સ્પષ્ટ કહ્યું હતું કે, આ મજદૂરો ઠેકેદારોના છે, એણે જ મામલો ઉકેલવો જોઈએ. જો દરેક કામ કંપની હાથમાં લે તો કોન્ટ્રાક્ટર રાખવાનો કોઈ મતલબ નથી. પગાર ચૂકવાતાં શ્રમિક પરિવારોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer