કચ્છ જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને પ્રતિબંધાત્મક પગલાં

ભુજ, તા. 21 : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં સંક્રમણના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારી અને સાવચેતીનાં પગલાં રૂપે સરકાર દ્વારા લોકડાઉન-4માં આપેલી કેટલીક છૂટછાટો અને આગામી તહેવારોને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ-શાંતિ જળવાઇ રહે તે હેતુથી સાવચેતીનાં પગલાં લેવાનું ઈષ્ટ જણાય છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ-કુલદીપાસિંહ ઝાલા, ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 37 (3) અન્વયે તેમને મળેલા અધિકારની રૂએ ફરમાવે છે કે, તા. 22/5થી તા. 3/6 સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર કોઇએ મંડળી બનાવી રેલી, સરઘસ, દેખાવો કરવા કે રેલી સ્વરૂપે એકઠા થઇ આવેદનપત્ર આપવા, મંડળી બનાવી ધરણા, ભૂખ હડતાળ, ઉપવાસ ઉપર બેસવું નહીં. બિભત્સ સૂત્રોચ્ચાર, કોઇ જ્ઞાતિ, ધર્મ વિશે અપશબ્દ કે પૂતળાં દહન કે આકૃતિ દહન, કોઇ ઠરાવનું દહન કરવું નહીં કે કોશિશ કરવી નહીં. આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યકિતોઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓને, સ્મશાનયાત્રાને તેમજ સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી ખાસ કિસ્સા તરીકે પરવાનગીને લાગુ પડશે નહીં, એમ કુલદીપાસિંહ ઝાલા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer