જો પાન-બીડી-સિગારેટ-દારૂની છૂટ થતી હોય તો દેવમંદિરો બંધ કાં ???

ભુજ, તા. 21: ઈશ્વર પરમાત્મા જ્યારે પરીક્ષા લેવા બેઠો હોય ત્યારે શું થાય ? હરિ કરે તે ખરી ? આ શબ્દો હકારાત્મકતા સાથે પીડા દર્શાવે છે, કહેનાર છે દેવમંદિરોમાં સેવા-પૂજા સંભાળતા પૂજારીઓના... દેશના ઉદ્યોગોને પેકેજ અપાયું - ગરીબોને કિટ અપાઈ પણ અમને ? આવી પરીક્ષા ક્યાં સુધી લઈશ. પ્રભુ ખુદ તારા દરવાજા ખોલવા તો અમારા ઘર ને પગ ચાલે... ગાંધીધામ સંકુલના મેઘપર (બો)થી એક પૂજારીએ `કચ્છમિત્ર' સાથે ફોન પર વાત કરતી વેળાએ જણાવેલી હકીકત હૃદયસ્પર્શી છે. અમે સાચા અર્થમાં ભગવાન ભરોસે છીએ. લોકડાઉન પાળીએ છીએ. નથી ક્યાંય ગોરપદું કરવા જતા, નથી સત્યનારાયણની કથા કે આરતી-પૂજન, માગવાનું તો અમે શીખ્યા નથી કારણ કે દેનારો હજાર હાથવાળો છે અને જીવનની તમામ સ્થિતિનો સર્જક પણ એ જ છે. સ્વમાન નડે છે પણ છતાં આજે ઘરના સભ્યોના હિતમાં ફોન કરું છું. દેવમંદિરોના દરવાજા ખોલાવો, પાન-બીડી-દારૂ વેચાય તો દેવના દર્શન કાં ન થાય ?  છ પેઢીથી સેવા-પૂજા અને યજમાનોના સહારે એકદમ સાદું-પવિત્ર જીવન જીવતા આ વિપ્રએ કહ્યું કે કોરોના આવશે અને બધું બંધ થશે એનું તો સ્વપ્નુંએ નહોતું આવ્યું. લગ્નની સિઝન છે, ચૈત્રનો પૈતૃક માસ છે. ભાગવત કથા-કીર્તન-સંતવાણી-મહાપૂજામાં કાંઈને કાંઈ મળી રહેશે તેવી આશમાને આશામાં ડિસેમ્બર માસમાં લોન લઈ લીધી હવે હપ્તા પણ ભરાતા નથી.  મંદિરે કોઈ ભાવિક આવતા નથી. ધાર્મિક કાર્ય મેળાવડા થતા નથી તો પૂજારીને આવક ક્યાંથી થાય. નિયત-કર્મનિષ્ઠાથી સેવા-પૂજા કરી છે તેથી બચત પણ હવે તો ખૂટે ને, લગભગ 2પ વર્ષે રાશન માટે વાજબી ભાવની દુકાને લાઈનમાં લાગ્યા તો જવાબ મળ્યો 22 તારીખ પછી આવજો... હવે તો એક જ આશરો છે, ચૂપચાપ હરિ ક્યાંકથી રીઝે તો ઘેર બધા ખાઈએ નહીંતર હરિઈચ્છા બલીયશી. જો મંદિરો ખોલાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાય, માસ્ક પહેરીને દર્શનની છૂટ અપાય તો ઘણા જ ઘરોમાં અને લોકોના જીવમાં જીવ આવે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer