6.73 લાખની પાણી ચોરી અંગે વધુ ફરિયાદો દર્જ થતાં પૂર્વ કચ્છમાં ચકચાર

ગાંધીધામ, તા. 21 : ભચાઉથી વરસામેડી આવતી પીવાના પાણીની લાઇનમાં બેફામ પાણી ચોરી થાય છે. આ અંગે ગઇકાલે રૂા. 6.17 લાખની પાણી ચોરીની ફરિયાદ બાદ વધુ રૂા. 6,73,632ની પોલીસ ફરિયાદ થઇ હતી. કંપની, હોટલ, ભઠ્ઠાના સંચાલકો સહિત શખ્સો સામેના આ ગુના નોંધાયા હતા. ભચાઉથી વરસામેડી સુધી આવતી પીવાના પાણીની લાઇનમાં છેલ્લા 6 મહિનાથી પાણીની ચોરી થઇ રહી છે. આ લાઇનમાંથી દરરોજ 10,000 લિટર પાણી ચોરી જવાતું હોવાનું ખુદ તંત્ર સ્વીકારે છે. ગત તા. 16/5ના ઉપરી અધિકારીઓએ અચાનક તપાસ કરતાં પાણી ચોરીના આ બનાવ બહાર આવ્યા હતા. આ પાઇપલાઇનના એન.સી.10 ના એર વાલ્વ નંબર 27માંથી કોહીનૂર ઇન્ડસ્ટ્રીઝના સંચાલક, જયશ્રી મા વિરાત્રા હોટલના સંચાલક, વિરાત્રા હોટલની બાજુમાં આવેલાં સર્વિસ સ્ટેશનના માલિક દ્વારા ગેરકાયદેસર જોડાણ મેળવી તેમાંથી પાણીની ચોરી કરાતી હતી. આ ત્રણેય વિરુદ્ધ રૂા. 2,52,612ની પાણી ચોરીની ફરિયાદ થઇ હતી.આજ લાઇનમાં એન.સી. (એ)ના એર વાલ્વ નંબર 37માંથી મેકેક ટ્રેડિંગ કંપનીના સંચાલક દ્વારા  પાણી ચોરી કરાતી હતી. દૈનિક 467.80 લેખે 180 દિવસમાં રૂા. 84,204ની આ શખ્સ દ્વારા પાણીની ચોરી કરાઇ હતી, તેમજ એન.સી. 10ના એર વાલ્વ નંબર 31માંથી ઉમિયા મિનરલની બાજુમાં આવેલી મિનરલ કંપનીના માલિક દ્વારા પાણીની ચોરી કરાતી હતી. આ કંપનીના માલિક વિરુદ્ધ રૂા. 84,204ની પાણી ચોરીની ફરિયાદ પોલીસના ચોપડે ચડી હતી. ચોપડવા રેલવે ઓવરબ્રિજની બાજુમાં સિન્ટેક્ષ કંપનીની પાસે પાઇપલાઇનનાં એન.સી. 10 (એ)ના એર વાલ્વ નંબર 30માંથી ઇંટોનો ભઠ્ઠો ચલાવનારો શખ્સ પાણીની ચોરી કરતો હતો. ગેરકાયદેસર જોડાણ મેળવનારા આ શખ્સ વિરુદ્ધ રૂા. 84,204ની ફરિયાદ થઇ હતી. એન.સી. 10 (એ)ના એર વાલ્વ નંબર 27માંથી દેવકુશ ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલી ન્યૂ રામદેવ હોટલના માલિક દ્વારા ગેરકાયદેસર જોડાણ લેવામાં આવ્યું હતું. આ શખ્સે છ મહિનામાં રૂા. 84204ની પાણીની ચોરી કરી હતી. તથા એન.સી. 10 (એ)ના એર વાલ્વ નંબર 17માંથી રાજબાઇના મંદિર જતા રસ્તાની બાજુમાં આવેલા ઇંટોના ભઠ્ઠાનો સંચાલક પાણીની ચોરી કરતો હતો. આ શખ્સે પણ રૂા. 84204ની પાણીની ચોરી કરી હતી. આ  શખ્સોએ છેલ્લા છ મહિનાના દરમ્યાન રૂા. 6,76,632ની પાણીની ચોરી કરી હતી. આ તમામ વિરુદ્ધ પાણી પુરવઠાના રાજેશકુમાર વામનીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લાની જીવાદોરી સમાન આવી લાઇનમાંથી પાણીની ચોરી કરનારાં તત્ત્વો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરાય તો જ પાણી ચોરીના બનાવો અટકે તેમ છે તેવું  તેવું પ્રબુદ્ધ  લોકો જણાવી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer