આરસી અને લાયસન્સ બેકલોગ માટે અરજદારની હાજરીની જરૂર નહીં

ભુજ, તા. 21 : લોકડાઉનની સ્થિતિ વચ્ચે કાર્યરત કચ્છ સહિત રાજ્યભરની આરટીઓ અને એઆરટીઓ કચેરીઓમાં  અરજદારની હાજરી વિના એટલે કે ફેસલેસ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યની અમુક આરટીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સના બેકલોગ કામ માટે અરજદારને બોલાવવાનો આગ્રહ રખાતો હોવાનું ધ્યાને આવતાં વાહનવ્યવહાર કમિશનરે તમામ આરટીઓમાં લોકડાઉનના સંજોગોમાં અરજદારોને કચેરીમાં ન બોલાવવાનો નિર્દેશ જારી  કર્યો છે. વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જારી પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે વાહન-4.0માં આરસી બુક અને સારથિ 4-0માં ડ્રાઈવિંગ લાયસન્સના બેકલોગની એન્ટ્રી માટે અરજદારને સેલ્ફ બેકલોગ સુવિધા આપવામાં આવી હોવા છતાં અમુક આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં એપ્રૂવલ માટે અરજદારોની હાજરીને અનિવાર્ય બનાવાયાનું ધ્યાને આવ્યું છે. આવું થવાથી સેલ્ફ બેકલોગનો હેતુ માર્યો જતો હોવાની નોંધ સાથે તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીને આદેશ આપવામાં આવ્યો હતો કે કચેરીઓએ આવતી તમામ આરસી અને લાયસન્સની સેલ્ફ બેકલોગ અરજીને અરજદારની હાજરીનો આગ્રહ રાખ્યા વિના જ વેરિફાઈ અને એપ્રૂવલ કરવાનું રહેશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer