માંડવીમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય બે દિવસથી બંધ કરાયું

ભુજ, તા. 21 : લગભગ 50 દિવસ કરતાં વધુ સમય સુધી કામગીરી ઠપ રહ્યા બાદ જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય દસેક દિવસ પહેલાં આરંભાયું હતું. જો કે, છેલ્લા ત્રણેક દિવસથી પોઝિટિવ કેસનો આંક વધવા સાથે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધતાં સરકારની ગાઇડલાઇન અનુસાર માંડવી સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે. નવી સૂચના મળ્યા બાદ પુન: દસ્તાવેજ નોંધણીનું કાર્ય આરંભવામાં આવશે, તેવું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવાનાં પગલે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થતાં એકમાત્ર માંડવીમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય બંધ કરવામાં આવ્યું છે, અન્યત્ર કામગીરી રાબેતા મુજબ ચાલી રહી હોવાનું ભુજ સબ રજિસ્ટ્રાર કચેરીના સત્તાવાર સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું.આ તરફ ભુજ સહિતની દસ્તાવેજ નોંધણી ઓફિસમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવાનું અનિવાર્ય કરી દેવાયું છે, પણ સમયાંતરે સર્વર કનેક્ટિવિટીની સમસ્યા સર્જાતી હોવાના લીધે દસ્તાવેજ નોંધણી કરાવવા ઇચ્છુક અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. નોંધણી ફી ભરવા સહિતની સઘળી પ્રક્રિયા ઓનલાઇન થતી હોવાના કારણે જો સર્વર કનેક્ટ થવામાં સમસ્યા સર્જાય તો સઘળું કાર્ય અવરોધાઇ જતું હોય છે, ત્યારે આ બાબતે યોગ્ય અભિગમ અપનાવાય તેવી લાગણી અરજદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer