લાખની લોનવાળી યોજના સારી પરંતુ અગાઉના અનુભવ જોતાં ભલીવાર નથી

માંડવી, તા. 21 : વર્તમાન કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉન દરમ્યાન નાના વેપારીઓ-શ્રમજીવીઓ, ટેકનિકલ કારીગરો તેમજ અન્ય ધંધાદારીઓની આવક સાવ બંધ થઇ જતાં તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ અંગે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, માનદ્મંત્રી નરેન્દ્ર સુરુ, ખજાનચી ચંદ્રસેન કોટક સહિત ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ ગુજરાતની રાજ્ય સરકારે પ્રવર્તમાન કોરોના વાયરસની મહામારી દરમ્યાન લોકડાઉનમાં સપડાયેલા નાના વેપારીઓ, કારીગરો, શ્રમિકોને જેમાં વાળંદ, ધોબી, ઇલેકટ્રીશીયનો, કરિયાણાના વેપારીઓને  માત્ર 2 ટકાના વ્યાજ દરે રૂપિયા 1લાખની લોન વિના ગેરંટીએ  નાના કારીગરોને  બેઠા કરવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં લોન આપશે તેવી જાહેરાત કરાઇ છે. ચેમ્બરના આગેવાનોએ  યોજનાને આવકારતાં જણાવ્યું કે, અગાઉના અનુભવો સારા નથી. આમાં અર્બન ડો. ઓપરેટીવ બેન્કની 1000 શાખાઓ (રાજ્યની 220 શાખાઓ) 18 જિલ્લા સહકારી બેન્કોની 1400 શાખાઓ, ક્રેડિટ સોસાયટીઓ વગેરે રૂા. 1 લાખની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપશે ? અગાઉ કચ્છ જિલ્લા ઉદ્યોગ દ્વારા કારખાનેદારો, શ્રમજીવીઓને લોન અપાતી પરંતુ કચ્છ જિલ્લામાં  બેન્કના અધિકારીઓ, મેનેજરો આવી મંજૂર થયેલી લોન આપવામાં મોટેભાગે ઉણા ઉતર્યા છે. તેથી મુખ્યમંત્રીઓને આવા અધિકારીઓને ખાસ ભલામણ કરવા માંડવી ચેમ્બરે વિનંતી  કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer