મુંદરામાં રાજ્ય બહારથી આવેલાને સમાજવાડી ખાતે ઉતારો આપવાના મામલે વિરોધ વ્યક્ત

મુંદરા, તા. 21 : રાજ્ય બહારથી આવેલા લોકોને સ્થાનિકની સમાજવાડીમાં ઉતારા આપવાના મુદ્દે નગર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જ્યારે પ્રશાસને ધીરજપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્નો  શરૂ  કર્યા છે. અહીં પ્રાંત કચેરી ખાતે તાલુકાના આગેવાનો સાથેની બેઠકમાં ઉપસ્થિત ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ પોતાની મુશ્કેલી વર્ણવી હતી. તંત્રે દરેક ગામની સેનેટરી ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે લીધી છે. ગુજરાત બહારથી આવી ગયેલા અને હવે મોટી સંખ્યામાં આવનારા લોકોને કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી કે આડેસરથી જ તમારે ક્યાં જવું  તેની સ્થળ માહિતી આપી દેવામાં આવે છે. તાલુકાની ભૂગોળથી અજાણ આ અધિકારી વર્ગે સ્થળની આડેધડ વહેંચણી કરતાં સમસ્યા વિકટ બની છે, તેવું જણાવાયું હતું. સેનેટરી અને જ્ઞાતિની સમાજવાડીઓને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે લેતાં પહેલાં જવાબદાર જ્ઞાતિજનોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તેમ સેનેટરીમાં કોઈ વ્યક્તિને પણ દાખલ કરવામાં આવતાં પ્રથમ ભોજનશાળા અને બાદ સ્થાનના કર્મચારીઓ  ચાલ્યા જાય છે. જેથી તમામ વ્યવસ્થા પડી ભાંગે છે. તેમ ક્વોરેન્ટાઈન થયેલી વ્યક્તિ નાસી નહીં જાય તેની શી ખાતરી ? સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે આવી સેનેટરી અને સમાજવાડી વસ્તીની વચ્ચે આવેલી છે, તેથી આસપાસના રહીશોમાં પણ ઉગ્ર વિરોધ ઊભો થયો છે, તેવું કહેવાયું હતું.નગરની વર્ધમાનનગર-1 અને 2, વત્સલ વૈભવ પાર્ક, વેરાઈ કૃપા, વલ્લભ કૃપા સહિતની નગરની સોસાયટીના 150થી વધુ નાગરિકોએ રાજગોર સમાજવાડીને ક્વોરેન્ટાઈન હેતુસર કોઈને આપવામાં ન આવે તેવી રજૂઆત પ્રાંત અધિકારી સમક્ષ કરી છે. જ્યારે નગરના મધ્ય ભાગમાં આવેલી ઓસવાળ શેરીમાં ક.વી.ઓ. જૈન મહાજન અને છ કોટિ જૈન સંઘના સમાજ ભવનને ક્વોરેન્ટાઈન માટે ન આપવામાં આવે તેવી માગણી 200 નાગરિકોની સહી સાથે કરવામાં આવી છે. એ જ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની છે. સ્થાનિકના લોકો સંક્રમિત થશે, ઉપરાંત જૈન ભવનોના નિયમોનું પાલન થશે નહીં તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, તા.પં.ના વિકાસ અધિકારી રાજુભા જાડેજા, પી.આઈ. પી. કે. પટેલ, 15 જેટલા ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને પ્રતિનિધિઓ, મુંદરાના સરપંચ ધર્મેન્દ્ર જેસર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer