કચ્છમાં પ્રથમ દિને ખાલીખમ એસ.ટી. દોડી

કચ્છમાં પ્રથમ દિને ખાલીખમ એસ.ટી. દોડી
ભુજ, તા. 20 : લોકડાઉન-4માં એસ.ટી. બસોને છૂટછાટ અપાયા બાદ બુધવારે 59 દિવસના વિરામ બાદ શરૂ થયેલી એસ.ટી.ની બસોમાં આખા જિલ્લામાંથી 300 જેટલા પ્રવાસી આવતાં ખાલીખમ દોડી હતી.એસ.ટી. તંત્રના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મંગળવાર મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠકો બાદ બુધવારે માંડ શરૂ કરાયેલી એસ.ટી.ની બસોમાં પૂરતી જાણકારીના અભાવે આખા જિલ્લામાં દિવસ દરમ્યાન માત્ર 300 જેટલા જ પ્રવાસીએ મુસાફરી કરી હતી. મુખ્ય મથક ભુજની વાત કરીએ તો બુધવારે સવારે 8 વાગ્યે ઉપડેલી ભુજ-રાજકોટ બસમાં માત્ર 28 પ્રવાસી આવ્યા હતા. જેની સામે આવક રૂા. 3287ની થઇ હતી, તો જિલ્લામાં માત્ર ચાર ટ્રીપ દોડી હતી, જેમાં પણ માત્ર 22 પ્રવાસીઓએ મુસાફરી કરી હતી જેમાં તંત્રને રૂા. 5500ની આવક નોંધાઇ હતી. જ્યારે અંજાર ડેપોમાંથી બે ટ્રીપમાં 18 પેસેન્જરથી રૂા. 597, મુંદરા ડેપોમાં 32 ટ્રીપ થકી 111 પ્રવાસી પાસેથી 5971, નખત્રાણા 10 ટ્રીપ 65 મુસાફરથી રૂા. 3200, ભચાઉ 12 ટ્રીપમાં 60 પેસેન્જર થકી અંદાજે પાંચ હજાર, રાપરમાં ચાર ટ્રીપમાં 22 મુસાફર સાથે રૂા. 1300 જેટલી આવક તંત્રને થઇ હતી. જો કે, માંડવીના ડેપો મેનેજરનો ફોન નો-રિપ્લાય આવ્યો હતો, જ્યારે નલિયા ડેપો સંપૂર્ણ બંધ રહ્યો હતો. આજની તમામ બસ માત્ર તાલુકા કક્ષાએ જ ઊભવાની હોવાથી દરેક પ્રવાસી પાસેથી એક્સપ્રેસ ભાડું ઉઘરાવાયું હતું. જેથી અમુક પ્રવાસીઓમાં કચવાટ પણ ફેલાયો હતો. જો કે, આ અંગે વિભાગીય નિયામક સી.ડી. મહાજનનો સંપર્ક સાધતાં તેમની પાસે પૂરતી વિગતો ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સમયાંતરે વિગતો જાણવા સંપર્ક કરતાં મોબાઇલ ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી. આમ, તંત્રની કચાશ પાધરી પડી હતી. દરમ્યાન કચ્છના એસ.ટી. તંત્ર દ્વારા બુધવારે શરૂ કરાયેલા 53 જેટલા રૂટમાં માત્ર તાલુકામથકોએ જ બસ સેવા શરૂ કરાઈ હતી, જેમાં વચ્ચે આવતા ગામોના કોઈ પણ મુસાફરોને લેવાયા નહોતા. વચ્ચે આવતા ગામોના લોકોને નજીકના તાલુકા મથકોએ જવું પડે તેમ હોવાથી અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બસોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા મર્યાદિત 30 પ્રવાસીને લેવાના છે, તેમાંય પણ જો કોઈ પ્રવાસી માસ્ક વિનાના હશે તો તેને બસમાં પ્રવાસ કરવા દેવામાં આવશે નહીં. બસમાં બેસતાં પહેલાં તમામ પ્રવાસીઓનું ગનથી ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ દરેક  ટ્રિપ બાદ બસોને ફરીથી સેનિટાઈઝ કરવામાં આવી હતી.શ્રીમહાજનના જણાવ્યા અનુસાર ભુજથી રાજકોટ રૂટની એક બસ દરરોજ સવારે 8 વાગ્યે ઉપડી બપોરે 1-30 રાજકોટ પહોંચશે, જેમાં વચ્ચે અંજારગાંધીધામ અને નવી મોરબી સ્ટોપ કરશે. વચ્ચે ક્યાંય થોભશે નહીં, એ જ બસ બીજા દિવસે સવારે 8 વાગ્યે ઊપડી બપોરે ભુજ પહોંચશે જેમાં ઉપરોક્ત સ્થળે જ સ્ટોપ કરશે.  બુધવારે સવારે બસોને રવાના કરતાં પહેલાં ગુજરાત મહાસંઘના આદેશનાં પગલે કચ્છ વિભાગ મજદૂર સંઘ દ્વારા તમામ ડ્રાઈવરોને માસ્કનું વિતરણ કરાયું હતું. હજુ પણ તમામ તાલુકા મથકોએ પણ માસ્ક અપાશે તેવું સંઘના મહામંત્રી નરેશ વ્યાસે જણાવ્યું હતું. તેમની સાથે કિરીટસિંહ પરમાર, ચેતન પંચોલી, લોકેશ નાકર, મુકેશ ગોસ્વામી અને માધુભા જાડેજા માસ્ક વિતરણમાં જોડાયા હતા.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer