કાલથી એસ.ટી. બસો દોડવા સજ્જ

કાલથી એસ.ટી. બસો દોડવા સજ્જ
ભુજ/રાજકોટ, તા. 18 : કોરોના મહામારીનાં કારણે ગત માર્ચ માસથી લોકડાઉનને લીધે બંધ થયેલી જિલ્લાની એસ.ટી. બસોને ત્રીજા લોકડાઉન બાદ રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ અમુક રાહતોએ છૂટછાટ આપતાં રસ્તા પર ઊતરવા સજ્જ બની છે. જો કે, તેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી નિયમો મુજબ જ મુસાફરોની હેરફેર કરાશે. આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કોરોના વાયરસનો ફેલાવો ન થાય, દરેક વાહનોનું સેનિટાઈઝેશન કરવું, મુસાફરોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક બસમાં પ્રવેશતા જ ટિકિટ ઈશ્યૂ થાય, વીસથી વધુ મુસાફરો ન બેસે, મુસાફરો, કર્મચારીઓ માસ્ક પહેરે તથા યાંત્રિક મરંમત સહિતનાં અનેક પગલાં લઈ તકેદારી રાખવા ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરેક વિભાગીય નિયામકને સૂચના અપાઈ છે. ચોથા લોકડાઉનના અમલીકરણ માટેના જાહેરનામામાં આ અંગે વિગતે સ્પષ્ટતાઓ કરાશે. આ બાબતે વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજને જણાવ્યું હતું કે, અમારી પાસે સંપૂર્ણ સ્ટાફ ઉપલબ્ધ છે. તેમ તમામ બસો, બસ સ્ટેશન, વર્કશોપમાં સેનેટાઈઝ કરી દેવાયું છે. માત્ર ઉપલી કચેરીની સૂચના મળ્યા બાદ બસના શિડયુલ શરૂ કરાશે. દરમ્યાન રાજકોટથી મળતા હેવાલ મુજબ રાજ્યમાં લોકડાઉન 4ની વિગતો સોમવારે રાત્રે જાહેર થઈ તે પ્રમાણે મંગળવારથી એસટી દોડવા લાગશે એવું અર્થઘટન નીકળ્યું હતું પરંતુ સોમવારની મોડી રાત સુધી એસટીના અધિકારીઓ પાસે વડી કચેરીથી સત્તાવાર સૂચના આવી ન હતી માટે એસટીનો વ્યવહાર બુધવારથી શરૂ થશે તેમ સુમાહિતગાર સૂત્રો જણાવે છે. દરમિયાન ઓલ ગુજરાત ભારતીય મઝદુર સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિયે સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એસટી બસો બુધવારથી દોડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા એક બસમાં 30થી વધુ પેસેન્જરો લેવામાં આવશે નહીં. પ્રારંભિક તબક્કામાં એક સ્ટેશનથી બીજા સ્ટેશને નોન સ્ટોપ પ્રકારે બસો દોડાવાશે. જે સરકારની સૂચના પ્રમાણે સવારે 7થી સાંજે 7 સુધી જ પરિવહન કરશે. રાત્રિ પાળીમાં બસો દોડશે નહીં. શરૂઆતમાં દરેક ડેપોમાંથી 1પ-ર0 જેટલી બસોનું પરિવહન શરૂ કરાશે. અમદાવાદ-સુરતના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં બસો નહીં જાય.  જો કે 30 યાત્રીને લઈને દોડતી બસોનું ભાઠું રેગ્યુલર જ રહેશે કે જે રીતે રેલવે રાજધાનીનું ભાડું વસુલે છે તેમ વધારાના ભાડા સાથે બસો દોડશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer