ખડીર પાસે બાઈક સ્લીપ થતાં સહાયક ફોજદારનું મૃત્યું : પોલીસ બેડાંમાં શોક

ખડીર પાસે બાઈક સ્લીપ થતાં સહાયક ફોજદારનું મૃત્યું : પોલીસ બેડાંમાં શોક
ગાંધીધામ, તા. 7 : લોકડાઉન વચ્ચે પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં પોલીસકર્મી સહિત બે યુવાન કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. ભચાઉ તાલુકાના ખડીર પાસે બાઈક સ્લીપ થઈ જતાં સહાયક ફોજદાર દીપકસિંહ અજિતસિંહ જાડેજા (ઉ.વ. પપ)નું તત્કાળ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે લોકડાઉનના અમલીકરણમાં સતત કાર્યરત કચ્છનાં પોલીસ બેડાંમાં ભારે ગમગીની પ્રસરી છે.  બીજા બનાવમાં સામખિયાળી ખાતે બાઈક અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દિનેશ મોહનલાલ કોલી (ઉ.વ.29)નું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  અંતરિયાળ ખડીર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતભાગી પોલીસકર્મી આજે બપોરના અરસામાં રતનપરથી ધોળાવીરા બાઈક ઉપર જતા હતા. આ દરમ્યાન જનાણ બાંભણકા વચ્ચે બાઈક સ્લીપ થતાં તેમને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે રાપર સીએચસી ખાતે ખસેડાયા હતા, પરંતુ  સારવાર  દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો. હતભાગી પોલીસ કર્મચારી ભચાઉ તાલુકાના વામકા ગામના વતની હતા. આવતીકાલે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વધુ તપાસ પીએસઆઈ બી.જે. પરમાર ચલાવી રહ્યા છે. ભચાઉ તાલુકાનાસામખિયાળી નજીક પોલીસ મથકની સામે રોડ ઉપર માર્ગ અકસ્માતનો બનાવ બપોરે 4.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.આઈસર વાહનના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી. અમારા ભચાઉના પ્રતિનિધિએ પોલીસને ટાંકીને  વિગતો આપતાં જણાવ્યું હતું કે, હતભાગી યુવાનને માથા સહિતના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ભચાઉ સીએચસીમાં  સારવાર માટે લવાયો હતો, પરંતુ ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer