પોલીસ માટે કોરોના સામે 500 સુરક્ષા કવચ

પોલીસ માટે કોરોના સામે 500 સુરક્ષા કવચ
ભુજ, તા. 7 : કોરોનાગ્રસ્ત દર્દીઓની આઇસોલેશન વોર્ડમાં સારવાર આપતા તબીબો તથા સ્ટાફ માટે વપરાતી પી.પી..ઈ. કિટ પશ્ચિમ કચ્છના પોલીસ જવાનોને પણ આપવામાં આવી છે. કવોટેન્ટાઇન કે કોરોનાવાળા દર્દીની નજીકમાં જતા પોલીસ કર્મચારીઓની સુરક્ષા માટે દરેક પેલીસ સ્ટેશનમાં કુલ્લ મળીને 500 આવી અદ્યતન સુરક્ષા કવચવાળી કિટ આપવામાં આવી છે.પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં પોલીસ જવાનોની સુરક્ષા રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ કવોરેન્ટાઇન  કરાયેલા લોકો ઘરથી સુરક્ષિત જગ્યા બહાર નીકળી જાય છે.આવી સ્થિતિમાં માત્ર વર્દીમાં રહેવું કયાંક જોખમ ઊભું કરી શકે છે ત્યારે આવી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની કિટ પહેરવી ફરજિયાત છે. અમે દરેક પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની કિટ મોકલી આપી છે અને જ્યાં-જ્યાં પોલીસના પોઇન્ટ છે ત્યાં પણ બે-બે જવાનોને કિટ પહેરીને ફરજ બજાવવા સૂચના આપી છે. અત્યારે પાંચસો કિટની ફાળવણી કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું. આઇસોલેશન વોર્ડમાં જ્યાં કોરોનાની સારવાર લેતા દર્દીઓ પાસે બહાર પોલીસ કર્મચારીને રાખવા પડે છે વળી કયાંક કોઇ કિસ્સામાં જાણકારી ન હોય તેવા દર્દી અચાનક સામે આવી જાય છે.પોલીસ કર્મચારીઓને પણ સંક્રમણ લાગી શકે છે એટલે તકેદારીનાં પગલાં રૂપે કોરોનાવાળા દર્દીની નજીક જવું હોય તો પણ સુરક્ષા કવચ સાથે પહેરવા પડે છે તેવું એસ.પી.એ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer