પોલીસ કર્મચારી માતાની સાથે માસૂમ પુત્રી પણ ઘર છોડી `ઘરબંધી'' બંદોબસ્તમાં

પોલીસ કર્મચારી માતાની સાથે માસૂમ પુત્રી પણ ઘર છોડી `ઘરબંધી'' બંદોબસ્તમાં
ભુજ, તા. 7 : લોકડાઉન કાયદાની અમલવારી માટે ફરજ ઉપર તૈનાત પોલીસ સ્ટાફના ફરજપરસ્તીના વિવિધ કિસ્સા સપાટીએ આવી ચૂકયા છે ત્યારે ભુજમાં કોરોનાએ સર્જેલી કઠિન સ્થિતિ થકી કુમળી વયની માસૂમ બાળકી પણ તેની માતા સાથે બંદોબસ્તમાં સામેલ થઇ છે.  વાત છે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્કાબેન દેસાઇ અને તેમની 14 માસની વયની પુત્રીની. અલ્કાબેનના પતિ પણ ભુજમાં જ પોલીસદળમાં ફરજ બજાવી રહ્યા છે. કુમળી વયની પુત્રીની સારસંભાળ આ દંપતી ફરજ ન હોય ત્યારે વારાફરતી રાખતા આવે છે. પણ હાલે પતિ અને પત્ની બન્નેની લોકડાઉન અન્વયે એકસાથે ફરજ આવી પડતાં મુશ્કેલ કહી શકાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. વર્તમાન પરિસ્થિતિમાં પુત્રીને અન્ય કયાંય પણ મૂકી શકાય તેમ ન હોવાથી અલ્કાબેન પોતાની ફરજ દરમ્યાન પુત્રીને સાથે જ રાખે છે. જેને કારણે માતા સાથે પુત્રી પણ ફરજમાં તૈનાત થઇ છે. અલ્કાબેન જણાવી રહ્યા છે કે, પરિવાર પ્રત્યેના કર્તવ્ય સાથે ફરજ પરત્વેની નિષ્ઠા પણ એટલી જ જરૂરી હોવાથી આ માર્ગ અપનાવાયો છે. ભુજના જાતનિરીક્ષણ માટે નીકળેલા આઇ.જી. સુભાષ ત્રિવેદી પણ ફરજમાં તૈનાત માતા-પુત્રીને જોઇ પ્રભાવિત થયા હતા. તેમણે માસૂમ બાળકીને તકલીફ ન થાય તેવી ડયુટી સાથેની વ્યવસ્થા માટે સૂચના આપી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer