ગેડીના ખેડૂતોએ મંદમેધાવી અને મૂક-બધિર દિવ્યાંગોના અન્નનો પ્રશ્ન મૂકપણે ઉકેલ્યો

ગેડીના ખેડૂતોએ મંદમેધાવી અને મૂક-બધિર દિવ્યાંગોના અન્નનો પ્રશ્ન મૂકપણે ઉકેલ્યો
ઘનશ્યામ મજીઠિયા દ્વારા-  રાપર, તા. 7?: કચ્છમાં વાગડ તેની તીખી તાસીર માટે જાણીતું છે અને એમાંય ગેડી ગામ તો વાગડમાં પણ આગળ આવે, પણ આ ગામના ધરતીપુત્રોએ જે ગુપચુપ અન્નદાન કર્યું છે તે ગેડીને દાતારીમાં અગ્ર હરોળમાં બેસાડે તેવું છે. તાજેતરમાં `કચ્છમિત્ર'માં રાપરની દિવ્યાંગોની સંસ્થા ગ્રામ્ય સેવા સંગઠનનો અહેવાલ પ્રસિદ્ધ થયો. જે વાંચીને ગેડીના એક સેવાભાવી યુવાન લક્ષ્મણભાઈ મકવાણાનો ફોન આ સંસ્થાના સંચાલક શૈલેશભાઈ કોઠારીને આવ્યો કે તમે ગેડી આવો અમે તમારી સંસ્થાને અનાજની મદદ કરીશું. બીજા દિવસે સાંજે ગેડી પહોંચ્યા અને આ યુવાન લક્ષ્મણભાઈ અને ભીમાભાઈ કોરાટને મળ્યા. થોડી જ વારમાં ટહેલ નાખતાં ખેડૂતોએ આ સંસ્થાની બે વર્ષની અનાજની જરૂરિયાત પૂરી કરી દીધી. કોઈ ધરતીપુત્રએ એક કટું તો કોઈએ એક ગૂણી અને એ પણ જાતે ઊંચકીને ટ્રેકટરની ટ્રોલીમાં ઠાલવી આપી.આ વર્ષે ઘઉં અને જીરું ખૂબ જ સારા પ્રમાણમાં પાક્યા છે. તમામ માર્કેટયાર્ડો બંધ છે. ધરતીનો છોરુ આર્થિક ખેંચમાં છે. આવા કપરા કાળમાં પણ ગેડીના ખેડૂતોએ સહજતાથી સો ગૂણી (દશ હજાર કિલો) ઘઉંનું દાન કોઈ પણ જાતની પ્રસિદ્ધિ કે નામની ખેવના વિના કરી નાખ્યું. કોઈ ખેડૂત પાસે આનો ફોટો પાડવા માટે કેમેરાવાળો મોબાઈલ નહોતો એટલે આ પ્રસંગ ક્યાંય સોશિયલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ ઉપર જોવા નહીં મળે.સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ભીમાભાઈની વિવેકબુદ્ધિ પણ માન ઊપજે તેવી હતી. જેણે ઘઉં કર્યા હોય તેવા જ ખેડૂત પાસેથી ઘઉં લેવાના, કોઈને વધુ આપો તેવું પણ નહીં કહેવાનું. ઉપરથી કોઈ કોઈને તારા આટલા ન હોય, ઓછા આપીશ તો ચાલશે, એકાદ ફોટો પાડવાનું કહેતા હતા, ખેડૂત મિત્રોએ સવિનય ના પાડી દીધી. આ ઘઉં આ નામી-અનામી ખેડૂતમિત્રો વ્યવસ્થિત સાફ કરી પેકિંગ કરીને સંસ્થામાં સ્વખર્ચે મૂકી જશે એમ ગેડીના ખેડૂતો અને સંસ્થાના શૈલેશ કોઠારીએ જણાવ્યું હતું. ખેડૂતના ઘરે ઘઉં, જીરું, રાયડો વગેરે રવીપાક આવી ગયો છે. દરેકના ઘરે જીરુંની સુગંધ આવતી હતી પણ માર્કેટયાર્ડો બંધ હોવાથી બધાનો હાથ ખેંચમાં છે. વયોવૃદ્ધ ખેડૂત વજાબાપાએ હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું કે પાક ખેતરથી ઘર સુધી પહોંચાડવાની મજૂરી પણ રોકડી ચૂકવવી પડી છે. કારણ કે ટકેટકનું કરતા ખેતમજૂરોની મજૂરી તો રોકી શકાય નહીં. હવે ખેડૂત પાસે ધનના રૂપમાં આ મોલ પડયો છે. માર્કેટ યાર્ડ ખૂલે અને પૂરા ભાવ આવે ત્યારે ખેડૂતનો હાથ છૂટો થાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer