નલિયા અને નખત્રાણા સબજેલ ખાતે કેદીઓ અને સ્ટાફનું આરોગ્ય સ્ક્રીનિંગ

નલિયા અને નખત્રાણા સબજેલ ખાતે કેદીઓ અને સ્ટાફનું આરોગ્ય સ્ક્રીનિંગ
ભુજ, તા. 7 : કોરોના વાયરસ સામેની લડાઇ તળે લેવાઇ રહેલા શ્રેણીબદ્ધ પગલાં હેઠળ નલિયા (અબડાસા) અને નખત્રાણા ખાતેની સબજેલના કેદીઓ અને સ્ટાફના સ્ક્રીનિંગ સાથેની આરોગ્ય તપાસણી કરાઇ હતી, તો સાથેસાથે જરૂરી દવાઓ અને સામગ્રીનું પણ વિતરણ કરાયું હતું.  પાલારા જેલના અધીક્ષક ડી.એમ. ગોહિલે તેમની જેલ તળે આવતી આ બન્ને સબજેલની સ્ટાફના આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ ગૌરવ ઓઝા અને વહીવટી અધિકારી એસ.કે. ચૌધરી વગેરે સાથે જાતમુલાકાત લઇને જાત દેખરેખ તળે સ્ક્રીનિંગ સહિતની આ કામગીરી કરાવી હતી. આ બાબતે સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ નલિયા સબજેલમાં છ બંદી અને સ્ટાફના પાંચ કર્મચારી જ્યારે નખત્રાણા સબજેલમાં એક આરોપી અને સ્ટાફના સાત કર્મચારીની તપાસણી કરવામાં આવી હતી. તપાસ તળે આવરી લેવાયેલાઓનું થર્મલ ગન દ્વારા સ્ક્રીનિંગ કરાયું હતું.  આરોગ્ય તપાસની આ કાર્યવાહી સાથેસાથે કેદીઓ અને સ્ટાફના સભ્યોને માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ, સાબુ અને સેનિટાઇઝર સહિતની સામગ્રીનું વિતરણ કરાયું હતું. તો જરૂરી દવાઓ પણ અપાઇ હતી. જ્યારે કોરોના વાયરસ સામે કઇ રીતે સાવચેતી રાખી શકાય તેની સમજણ પણ પૂરી પડાઇ હતી.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer